15 - ચન્દ્રાનુભવ / હર્ષદ ત્રિવેદી


અહીં સૂતાં સૂતાં જ
દેખાય છે ચન્દ્ર.
એટલો નજીક
કે હાથ લંબાવવાની ય જરૂર નહીં !
સહેજ સરકીને
છાતી સુધી લઈ આવું એને.
એકદમ હળવો સુકોમળ સ્પર્શ
જગાડે એક પછી એક નક્ષત્રને.
સપ્તર્ષિની સાક્ષીએ
બજી ઊઠે કૃત્તિકાનું ઝાંઝર.
ઈન્દ્રિયોના ઉત્સવે
સમૂહગાન કરે તારકવૃંદ.
રોમાવલિમાં ફરી વળે
મીઠી -મૃદુલ ચાંદની.
આવી મળે સકળ બ્રહ્માંડ આશ્લેષમાં.
સહજ વિસ્ફોટની એ પળે
ક્યાંક તારો ખર્યો
ઊડતી રજ પડી ધવલ ચાદર મહીં.
હવે
નજીક જ નહીં,
સર્વ કલંક અને કળાઓ સમેત
આખેઆખો ચન્દ્ર મારા મહીં !


0 comments


Leave comment