16 - રાહ - ૧ / હર્ષદ ત્રિવેદી


કહે છે :
જે જુએ છે રાહ
તેને મળી રહે છે બધું જ.
ભલે, મારી કને નથી
પણ ક્યાંક તો તું છે
એ જાણકારીને તાંતણે
જીવ્યા કરું છું
ગૂથ્યાં કરું છું મારી સવાર, મારી સાંજ !

ઘણી વાર
ભળભાંખળુ ય થયું ન હોય
ને જાગી જવાય
પછી રાહ જોવાની,
પંખીઓના કલરવની,
સૂરજ ઊગે એની.

ક્યારેક તો
તડકો ખસે
પણ કેમેય સાંજ ન પડે.
માળા ભણી ઊડતાં પંખીઓને જોવા,
ઊડે આકુલ મન
પણ, સમયને તો જાણે પાંખો જ નથી !

છેવટે સિંદૂરિયો ઊડે
ધીરે ધીરે ઊતરે આછાં અંધારાં,
ન દેખાઉં મને પણ હું.
શ્વેત ચાદરમાં તરફડે રાત,
ઊઠે ઝંઝાવાત,
તૂટે ઝીણો તાર,
ન રાહ, ન સાંજ, ન સવાર
રાતદહાડો
હવે તો ધખતી વેળા ને ધોમ બપોર !


0 comments


Leave comment