17 - રાહ - ૨ /હર્ષદ ત્રિવેદી


જતાં જતાં -
તેં કહેલું મને રાહ જોવાનું.

મેં રાહ જોઈ વસંતની,
ધીરે ધીરે કરતાં
ખીલ્યાં એક પછી એક ફૂલો,
મ્હોરી ઊઠ્યાં વૃક્ષો.

રાહ જોઈ મેં વરસાદની,
મૂંઝવે એવા બફારા વચ્ચે
ઘેરાયાં વાદળો
ને અચાનક
વા-ઝડી સાથે તૂટી પડયું આકાશ ,
મુશળધાર.

ચાંદનીની રાહ જોઈ મેં
હળવે પગલે ઢળી સાંજ
શીતળ વાતા વાયુની સંગ
ઝળૂંબી રહી એકાએક મારે માથે
દૂધે ધોયેલી રાત.

હવે તો એવું થયું છે -
જેની જોઉં રાહ
એનો મારગ આપોઆપ
મળી આવે મારે મારગ

બસ એમજ ઊભો છું રાહ જોતો,
એય ભૂલી ગયો છું ;
તેં જતાં જતાં રાહ જોવાનું કહેલું
કે જોયા જ કરવાનું ?


0 comments


Leave comment