18 - પરોઢિયે / હર્ષદ ત્રિવેદી


પ્રિય સખી,
મેં ભલે વાયદો કર્યો હોય,
તો ય આજે અત્યારે
આપણું મળવાનું નહીં બને.

આખી રાત
માથાં પછાડી પછાડીને
થાકેલો સમુદ્ર હમણાં જ જંપ્યો છે.

એ કાચી નીંદરમાંથી
જાગી ન જાય એટલા વાસ્તે
હું નાવ લઈને નીકળવાનું
માંડી વાળું છું.

અત્યારે -
કાંઠે પડેલી નાવમાં
બેઠો બેઠો જોઈ રહ્યો છું
એની છાતીના ધબકારને
સાંભળી રહ્યો છું શ્વાસોચ્છવાસને.

ઉપર આભમાં
ચન્દ્રની હોડીને હલેસાં મારતો
હસી રહ્યો છે શુક્રતારક.
એનું બિંબ હલમલ્યા કરે છે
સમુદ્રની છાતી ઉપર
ત્યાં મારી રાહમાં તું
ને હું ?
પ્હો ફાટે એની રાહમાં
અહીં, તહીં, સર્વત્ર !


0 comments


Leave comment