21 - શું થયું છે આપણી ભાષાને ? / હર્ષદ ત્રિવેદી


અમારો બોલ્યો
એક અક્ષરે ય
ન પહોંચે તમને,
કે ન સમજાય
અમને તમારા ફફડતા હોઠ !
સમજતા'તા આપણે બંને
એ ભાષા હવામાં ઑગળી ગઇ છે !
કેમ તોતડાય છે સહુની જીભ ?
શું થયું છે આપણી ભાષાને ?
અમે કહ્યું, ક્યાંથી લાવો ઘૃત
ને તમને ચડ્યું હાથ પેટ્રોલ !
પ્રગટાવો દીપ, કોઈ બોલ્યું -
ને આપણે તો સળગાવ્યા કાકડા !
અમને એમ કે ઉતારશો આરતી
તમે તો હૃદયમાં કર્યા અગનવર્તુળો !
કહ્યું અમે, બજાવો મૃદંગ - ખંજરી,
ખેલ્યા તમે બૉમ્બ- ફટાકડી-છરી !
મળે ચાંગળુક જળ
તો એનો હતો ખપ,
કિન્તુ, તમે લાવ્યા
ખોબેખોબા માનવ-રક્ત !
વાતે ય સાચી
આપણી તો સગાઈ જ લોહીની
પણ-
ભૂલે લોહી ભાષાને કે ભાષા ભૂલે લોહી
ત્યારે કોણ, કોને પૂછે:
કેમ તોતડાય છે સહુની જીભ ?
શું થયું છે આપણી ભાષાને?
લાવો ક્યાંકથી-
તૂટલી-ફૂટલી, પણ ભાષા-
લાવો ક્યાંકથી
જે સમજાય આપણ બંનેને !


0 comments


Leave comment