4 - ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈ / પોલિટેકનિક / મહેન્દ્રસિંહ પરમાર


    હે.... ઈ.... !
    ડૉન્ટ ગો અવે !
    તમે સાચા જ છો વીરા મારા ! શીર્ષક અટપટું અને ભ્રામક છે જ. યવનભાષાની છોછ તમને ભદ્રંભદ્ર જેટલી ન હોય તો જરીએ ‘અપશોચ’ વિના શીર્ષક ‘જસ્ટિફાય’ થાય છે કે નહીં તે કહેજો. જોકે વાર્તા ‘બને’ છે કે નહીં તે કહેજો જ. મારા સમ !... વાત છે જ એવી કે વા-ર-તા નયે બને.

    તો, શું બનશે ? ‘બનવું’ ક્રિયાપદ આ... અત્યારે માળું મને બનાવે છે, તેમ ! તમને બનાવે એમ પણ બને ! લેટ્સ સી ! જોઈએ ! હા... તો, શી... ર્ષક હાળું, ભુલાઈ જ જાય છે ! પહેલાં તો એનું પૂર્વપદ. ‘ઈન્ટેલેક્ચ્યુઅલ’. એટલે વળી ? તમે હશો તો, -હે હેં ! તમે તો હો જ ને વીરા ! –સમજી જ ગયા હશો. પણ નસીબદાર ‘એવરેજ’ લોકો માટે કહેવું તો પડશે જ. ભાઈઓ, ઈન્ટેલેક્ચ્યુઅલ એટલે બૌદ્ધિક ! એવા લોકો, કે જે કામૂ, કાફકા, ફ્રોઈડ, રાજકારણ, ધર્મ... ઈત્યાદિ ઈત્યાદિ ઈત્યાદિ અસંખ્ય વિષયો પર ગમે ત્યારે, ગમે તે કારણે, તર્કબદ્ધ રીતે, ચાર-પાંચ ભાષાઓમાં ફટફટાફટ ‘બોલી કાઢતા’ હોય છે. એ લોકો ગમ્મે તેને વાતવાતમાં મીડિયોકર ગણી કાઢતા હોય છે.

    એમના ઈન્ટેલેક્ચ્યુઅલ સોફિસ્ટિકેશનના- (રોયું ! આનું ગુજરાતી તો મારાથીય નથી થતું !) – ભાગરૂપે ઓશો, રા.શુ., પિ.યુ., ગુ.શા.નાં નામ વારંવાર એમના ઓષ્ઠદ્વય પર રમતાં હોય છે. એમનાં ડ્રોઈંગ રૂમમાં ડેકોરેટેડ સોનેરી-રૂપેરી બાઈન્ડિંગવાળાં પુસ્તકોને આધારે એ લોકો ઈન્ટેલેક્ચ્યુઅલ ગ્રાફની કસોટી પરસ્પર કરી લેતા હોય છે... મરવા દોને, એવા મીડિયોકર ઈન્ટેલેક્ચ્યુલોની વાતો કરવામાં રહીશું તો આપણા ઈન્દુભાઈની ‘વાર્તા’ એક બાજુ રહી જશે !

    ના, ના... તો તો હવે ઈન્દુભાઈ જ. ઈન્દુભાઈ એટલે, ઈન્દુભાઈ ! અટક ?... બટક ? અરે, અટકબટક બધું એમના ઈન્ટેલેક્ચ્યુઅલપણામાં લટકમટક ઓગળી ગયું છે ! ‘છે’ ને લીધે છે તે તમે સમજી જ ગયા હશો. –તમે સમજદાર ભારે ! –કે, ઈન્દુભાઈ ધ ઈન્ટેલેક્ચ્યુઅલ, હજી છે. જીવે છે !

    હાય, હાય ! લે ! હુંય તે ! આ બધું તો તમે આગળ ઉપર જાણવાના જ છો. અત્યારથી ક્યાં બધું કહેવા માંડ્યો ? સોરી હો ! અત્યારે તો ઈન્દુભાઈ. એકલું ઈન્દુભાઈ લૂખું લાગે છે. ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈ. તમને આટલું લાંબુલચક બોલવામાં તકલીફ પડે તો ટૂંકમાં બધે ‘ઈ.ઈ.’ કરી લેજોને ભાયા ! મને તો જીભની લસરપટ્ટી ઉપરથી સરરરાક... સરી પડતા ઈન્ટે... લેક્... ચ્યુ.. અલના આરોહ-અવરોહ એક્ચ્યુઅલી ખૂબ ગમે છે એટલે હું તો એમ જ બોલવાનો : ઈન્ટે.. લેક્.. ચ્યુઅલ ઈન્દુભાઈ !

    ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈને ઈન્ટેલેક્ચ્યુઅલ બનાવવામાં સૌથી મોટો ભોગ એમના વાળે આપેલો. ગણીને ચાર-પાંચ વાળની કલગી ફગફગે. બાકી, ચકચકતું ઝગારા મારતું તાલકું. કપાળ ઉપર નર્યું તેજ દેખાય. ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈનો અવાજ એટલે ! ઘેઘૂર. બેઝવાળો. અમિતાભ બચ્ચન જેવો. (મૈં વારી જાઉં !)... એ ઘેઘૂર અવાજે ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈ ક્લાસ રૂમમાં પ્રેમાનંદ, નરસિંહ, મીરાં, એલિયટ, રિલ્કેની વાત કરતા હોય ત્યારે એમની વાણીના પ્રભાવમાં મગદૂર છે કોઈની કે હલે ?

    છતાં એક વાર વર્ગમાં એક છોકરો હલ્યો ! ઈન્દુભાઈનું લેક્ચર ચાલે. છોકરાએ રૂપાળી છોકરીની સળી કરી. ઈન્દુભાઈની ચકોર-માંજરી આંખે છોકરાને પકડી પાડ્યો. પડકાર્યો છોકરાને. છોકરો ઊભો થઈને ભાગ્યો. પાછળ ઈન્દુભાઈ. છોકરો બાર-ફૂટ ઊંચી બારીમાંથી કૂદીને બહાર. પાછળ ઈન્દુભાઈ. છોકરાને પકડ્યે પાર કર્યો ! કોલેજમાં ઈન્દુભાઈના નામનો ટપ્પાકો ! –ધત્ ! સટ્ટાકો ! પરીક્ષામાં ચોરી કરવાના ઈરાદે છરીઓ લઈને બેસતા છોકરા, ઈન્દુભાઈની આંખ ફરે કે યુ.પી.ના ડાકુઓ જે.પી.નાં ચરણોમાં શસ્ત્રસમર્પણ કરે તેમ ટપોટપ કાપલીઓ અને છરીઓનો ઢગલો કરી દે. એવી ધાક ઈન્દુભાઈની ! આવ્વા ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈ !

    રખે ભૂલ કરતા ! પેલા મીડિયોકરઈન્ટેલેક્ચ્યુઅલો કરતાં આપણા ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈ બે રીતે જુદા. એક તો, એમના ડ્રોઈંગ રૂમમાં સજાવેલાં પુસ્તકો ફક્ત પ્રદર્શન માટે નહોતાં ગોઠવ્યાં. પુસ્તકનાં પાને-પાને એમની ઈન્ટેલેક્ચ્યુઅલ નજર-લાલ પેન્સિલ સમેત –ફરી વળેલી. બીજી, એમની સંવેદનશીલતા. રસ્તા પર ભિખારીને જુએ તો દ્રવી જાય. હોય એટલું પરચૂરણ ધરી દે. છાપાંમાં કુદરતી હોનારતના કે ટી.વી. પર ભૂકંપના સમાચાર જૂએ તો બેચેન થઈ જાય. કચ્છના ભૂકંપ વખતે પત્ની હસુમતીને રાહતકામમાં ન જવા દીધા તો ‘રેકી’ દ્વારા પણ મદદ એમણે પહોંચાડેલી.

    હાશ, મા ! હવે શ્વાસ હેઠો બેઠો. ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈનું, શું કહેવાય ? હા... ચરિત્રચિત્રણ ! તો કરવું પડેને ? એટલે આટલું જરીક કહ્યું. ‘આ’ રીતે કહ્યા વિના ચાલે એવું નથી એટલે ‘આ રીતે’ કહ્યું. હાય હાય લે, એમના વિશે જેટલું જાણું છું એટલું બધું કહેવા બેસીશ તો વળી નવલકથા રચાઈ જશે ! ના રે ના, મૂઈ નવલકથા ! આપણે તો વાર્તા માંડીએ, હા !

    હવે આપણી (?)-જો બનતી હોય તો –વારતા વ...ળાંક લે છે. એની ગતિ હવે પરિણામગામી બનવાની છે. અહીં સુધી પહોંચવામાં તમને કંટાળો આવ્યો હોય તોય હવે અધવચાળ મને નોધારો ન મૂકશો. પછી મારું કોણ ? હવે જોકે હુંય વચ્ચે વચ્ચે બહુ ‘ઈન્ટરફીઅર’ નહીં કરું. ફીઅર એક જ છે કે ક્યાંક ‘લાઉડ’ ન બની જાઉં, ‘ઈમ્પલ્સિવ’ ન બની જાઉં ! વાસ્તવમાં થથેડા વાર્તાને ન વળગે માટે હું કોમ અને જ્ઞાતિનાં નામ લેવાનું ટાળી સેક્યુલર અભિગમ રાખીશ. તમે તો જાણભેદુ છો જ, બધું સમજી લેજોને, વી... રા !

    મેજોરિટી અને માઈનોરિટી જેવું કાંઈ હતું નહીં ત્યારે, અબુધાબી સ્થિર થયેલા એક માઈનોરિટીએ મેજોરિટીવાળી સોસાયટીમાં ઘર બાંધેલું. ઈન્વેસ્ટમેન્ટ માટે. આપણા ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈ ને હસુમતીબહેન એ જ મકાનમાં ભાડે રહે. એમના જિગરી દોસ્ત જગદીશભાઈનું મકાન સાવ બાજુમાં એટલે શેક્સપિયર ને સાર્ત્ર, રિલ્કે અને રામાયણની વાતો ખૂટે જ નહીં.

    ફેબ્રુઆરી-ક્રૂઅલેસ્ટ મન્થ-માં ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈ અર્થઘટન મીમાંસા વિશે વ્યાખ્યાન આપવા મુંબઈ ગયેલા. હસુમતીદેવી પણ સાથે. આ બાજુ ટ્રેન સળગી. પછી ઝનૂન. ઘર, દુકાન, રિક્ષા, મોટર, શરીર... બધું ટ્રેનનો ડબ્બો બની સળગ્યું. ઝનૂન પુરજોશમાં. એના પર સવાર થઈ ગયેલા ટોળાંની નજર બંધ મકાન પર પડી :
‘આ મકાન સામાવાળાનું છે. સળગાવી દો સાલાનું મકાન !’
‘પણ એમાં તો આપણાવાળા ઈન્દુભાઈ રહે છે !’
‘ગમ્મે તે રહેતું હોય, મકાન તો સામાવાળાનું છેને, સળગાવી દો બધું !’
    દેકારા. પડકારા. પેટ્રોલના કાકડા. હુહુકાર. ભડ્ ભડ્ ભડ્ ભડ્ ! શહેર આખ્ખામાં સાઈરનો બોલાવી-બોલાવીને નરમઘેંસ થઈ ગયેલું ફાયરફાઈટર આવે-આવે ત્યાં તો...

    ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈનો ડ્રોઈંગરૂમ અને જેના એકએક અક્ષરને તેઓ આકંઠ પી ગયેલા એ બધાં પુસ્તકો અગ્નિમાં સ્વાહા. રામાયણ ને મહાભારત, દા-કેપિટલ ને ગ્રામર ઓફ પોલિટિક્સનો ભડકો. ‘પાટણની પ્રભુતા’ ને ‘ગુજરાતનો નાથ’ ...સાફ. ‘કૃષ્ણનું જીવનસંગીત’ અને ‘અસ્તિત્વનો ઉત્સવ’ ખતમ. ‘સત્યના પ્રયોગો’ અને ‘સરસ્વતીચંદ્ર’... મર્મઘાતક ઝીણી-કાળી ભૂકી બનીને ઢગલો. જગદીશભાઈએ ફોન કરીને તાત્કાલિક મુંબઈથી ઈન્દુભાઈને બોલાવી લીધા. આવતાંવેંત બધું જોઇને હસુમતીએ ઠૂઠવો મૂક્યો : ‘અરેરે ! કેવા સરસ કબાટ હતા ! ત્રીસ હજાર થાય અત્યારે લેવા જઈએ તો !’

    ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈ અવાચક. જિંદગી આખી જેના આધારે કાઢી એ પુસ્તકોને ભૂખરા-કાળા ધબ્બાઓમાં ફેરવાઈ ગયેલાં જોઇને ડબ્ ડબ્ આંસુ પડી ગયાં. મર્મઘાતક રાખના ઢગલામાં કશુંક ફંફોસવા લાગ્યા. મુઠ્ઠી ભરી, ધ્રૂજતા હાથે ખોલી. ખર્... ખર્... ! આઘાતમાં માથે મોંએ હાથ ફેરવ્યો. તેજેભર્યું તાલકું રાખથી... કાંચકી બાઝેલા અવાજે એમણે પૂછ્યું :
  ‘જગદીશ, તું તો બાજુમાં જ હતો. જોતો રહ્યો બધું ? કોઈને રોક્યાય નહીં ?’
  ‘શું કરું ઈન્દુભાઈ ? લાચાર હતો. ખૂબ કહ્યું, કોઈ સાંભળે તો ને ? હું પોતે માઈનોરિટીમાં હતો. શું કરું ?’
    ઘૂંટણિયે પડેલા ઈન્દુભાઈના નિ:શ્વાસે રાખ ઊડાડી. આંસુભરી આંખે ઝાંખી દુનિયાને ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈ જોઈ રહ્યા. જગદીશભાઈનાં પત્નીએ માંડ સમજાવીને બધાંને પોતાને ઘેર લઈ જવાનું કર્યું. કચવાતે જીવે ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈ મર્મઘાતક ભસ્મની થેલી છાતીએ વળગાડી ઘર છોડવા તૈયાર થયા.

    ઝનૂન હજી એના એ રૂપમાં હતું, શું મેજોરિટી કે શું માઈનોરિટી –બન્ને તરફથી ધુમાડાના ગોટેગોટા ઊંચે આકાશમાં ખંજર હુલાવવાની ઉતાવળ હોય એમ ધસી જતા દેખાય. જગદીશભાઈની આગાસીમાં ઊભાં ઊભાં મૂઢ ઈન્દુભાઈ બધું જોઈ રહે. આકાશમાં એક થતાં ધુમાડા હબસી પહેલવાનોની જેમ બાખડતા લાગે ને ઈન્દુભાઈ આંખો મીંચી દે.

    આંખો ખૂલે ત્યાં, કોલેજમાં જે છોકરાઓના હાથમાં નોટ-પેન જોયેલી એમને ખંજર અને એસિડબોમ્બ સાથે જોઇને ઈન્દુભાઈને કંઈનું કંઈ થઈ જાય.
‘આ બધાને મેં ભણાવ્યા ?.... શું ભણાવ્યું મેં ?... આ ?...’
    ફટફટફટ પગથિયાં ઊતરી નીચે આવ્યા. અટકાવ્યા બધાને : ‘છોકરાઓ ! તમે શું કરો છો, તમને કાંઈ ભાન છે ? મૂકો આ બધું ચાલો !’

    છોકરા ઘડીક જોઈ રહ્યા પછી એક બોલ્યો : ‘સર ! એ અમિતાભગીરી કોલેજમાં હોં ! જીવ વહાલો હોય તો અત્યારે વચ્ચે નહીં પડતા !’

    જીવ વહાલો હતો એની ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈને ત્યારે ખબર પડી. આવતા રહ્યા પાછા. મહાત્મા ગાંધી... ને ઇસુ... ને ખંજર ને આગ ને... બધું સેળભેળ થઈ ચક્કર ચક્કર ફરવા લાગ્યું. ઘુમરાટ માંડ સ્થિર થયો ત્યાં સામેની દુકાન તોડતું ટોળું મોંવકાસીને ઈન્દુભાઈ જોતા રહ્યા.

    તાળાં તૂટ્યાં કે હો હો. સહુ સહુના માપનાં કપડાં લેવા ઝપાઝપી કરતું હતું. ‘મારુતિ’ને ‘ટોયોટો’વાળા ‘બ્લુ લગૂન’ને ‘ક્લિર’ જીન્સ ટટકાવતા હતા. ખાખી કપડાવાળા કોડ્રોય લઈ લેવાની વેતરણમાં હતા ત્યાં મિલિટરીની ગાડી આવી. બધા રફુચક્કર. ઈન્દુભાઈ દોડીને અટકાવવા જતા હતા. જગદીશભાઈએ પકડી રાખેલા : ‘ઈન્દુભાઈ, આ કોલેજની પરીક્ષા નથી.’ નીચે એક માણસ લૂંટેલું માઈક્રોવેવ ઓવન માથે મૂકીને જતો હતો. ઈન્દુભાઈએ એને અટકાવ્યો.
‘ભાઈ, આ શું લઈને ચાલ્યો ?’
‘એ તો ઘરે જઈને જોવાનું હોય. અત્યારે તો જે હાથમાં આવ્યું તે !’
‘પણ... પણ આ તને શું કામમાં આવશે ?’ ‘તું એનું શું કરીશ ?’
‘મારે જે કરવું હોય તે કરું. એમાં ખાહ્ડાં ભરું કે છાણ ભરું તારા બાપનું કાંઈ ?...’
    ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈએ હાથ ખંખેરી નાખ્યા.

    ચોવીસ નંબરના પાટિયે નેવું માણસોને જીવતા સળગાવી દેવાના સમાચારથી ઈન્દુભાઈ જડમૂળથી હચમચી ગયા. એમના ઈન્ટેલેક્ચ્યુઅલપણાની છેલ્લી ઓળખસમાં બે-ત્રણ વાળ એમણે પીંખી નાખ્યા.

    ચોથા દિવસે બધું થોડું ઠર્યું ત્યારે શહેરના મીડિયોકર ઈન્ટેલેક્ચ્યુઅલો બહાર આવ્યા. શાંતિસમિતિ બનાવી, આગ્રહ કરીને ઈન્દુભાઈને ખેંચી ગયા. પોલિસચોકીની બાજુમાં સેઈફ જગ્યા શોધીને સરદાર પટેલના બાવલા ફરતે માનવસાંકળ રચી. શાંતિ અને ભાઈચારાનાં સૂત્રો ઈન્દુભાઈને અકારાં થઈ પડ્યાં એટલે ત્યાંથી ભાગ્યા. રેફ્યુજી કેમ્પ એમનાથી ન ઝીરવાયો. હાંફતા શ્વાસે ઘરે આવ્યા. હસુમતીએ પાણીનો ગ્લાસ ધરી કપાળ પર બાઝેલો પરસેવો લૂછતાં પૂછ્યું :
‘ક્યાં જઈ આવ્યા ? કહું છું શું થઈ ગયું તમને ?’
‘ગાર્ગી, હવે કશું પૂછશો નહીં !’
‘હે ! હે ! ગાર્ગી ! ઈન્દુકાકા હસુમતીકાકીનું નામે ભૂલી ગયા !’
‘એ... એ... ચિબાવલા નચિકેતા ! તું મૂંગો મરને !’
‘ઈન્દુભાઈ, નરેશ છે. મારો દીકરો. એને નચિકે....તા ?’
‘હવે ભાઈ જટાયુ ! તું તો કંઈક કર !’
    જગદીશભાઈ, નરેશ હસુમતી – સૌ બાઘાં બનીને ઈન્દુભાઈની આ હરકત જોઈ રહ્યાં. હસુમતીએ પાણીનો ગ્લાસ ધર્યો તેને હાથની ઝાપટથી ફેંકી દઈને ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈ પોતાના સળગેલા ઘરમાં રાખવાળા ઓરડામાં દોડી ગયા. ક્યાંય સુધી મૂંગામંતર થઈ ઊભા. બહાર નીકળી રસ્તા પર આવ્યા. મોઢું વંકાઈ ગયું. મોંફાડ કાન સુધી ખેંચાઈ આવી. રસ્તે નીકળતા લોકોને ઊભા રાખી ફાતડાની જેમ તાબોટા પાડતા જાય ને કહેતા જાય :
‘હાય હાય રે ! એ રોયા ડારવિન ! મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ !’
‘મર રે મૂઆ મિલ્ટન ! .... એ.... એ તારું સત્યાનાશ જાય રે નખ્ખોદીયા માર્કસ !’
    -તાબોટાનો અવાજ દરિયાપુરના દેશી બોમ્બ જેવો આવે. બોમ્બ ફોડે. બીને ભાગે. વળી કોઈ નીકળે તો ઘોઘરા સાદે કહે :
‘એ રોયા રિલ્કે ! તું ટીશર્ટનું માપ ન લે ! મોટું પડે છે તને રોયા !... હાય હાય નિત્શે ! તું ભગવાન બની જા !’
    -દરિયાપુરનો દેશી બોમ્બ. રસ્તે ચાલનારા ‘મિલ્ટન’ ને ‘નિત્શે’ ઘડીક ઊભા રહે. બોમ્બ સાંભળીને તાળીઓ દઈ હસે :
‘ક્યાંથી હાલી નીકળતા હશે આવા !’
    જગદીશભાઈએ તાત્કાલિક ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરને જોઈ દુઃખણાં લેતાં તરડાયેલા અવાજે ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈ કહે :
  ‘આવ, આવ, રોય લુઈ પાશ્વર ! મા બહુચર તારી રક્ષા કરે !’ ડૉક્ટરે સ્ટેથોસ્કોપ હાથમાં લીધું તો એમને અટકાવ્યા :
  ‘રહેવા દે, રહેવા દે, આ સંહાર, યુવાન તું ! દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું ?’
    દરિયાપુરનો દેશી બોમ્બ. બે વાર. ડઘાઈ ગયેલા ડૉક્ટરે ‘કેસ મનોચિકિત્સકનો છે’ – કહીને છટકવામાં જ કલ્યાણ સમજ્યું.

    ... ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈ એમની જ્ઞાનમીમાંસાના રાખના ઢગલા પર ટપાકા કરતા, દરિયાપુરના દેશી બોમ્બ ફોડતા અત્યારે તો બેઠા છે. વાત હજી આગળ વધી શકે એમ છે. પછી ઈન્દુભાઈનું શું થયું ? મનોચિકિત્સકે શું કહ્યું ?... એ બધા તમારા ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રશ્નોના જવાબ અત્યારે હું તમને આપી શકું એમ નથી. આટલું તો માંડ કહી શક્યો.

    ... શું કહ્યું ? ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્દુભાઈ વિશે આટલું બધું ઓથેન્ટિકલી હું ક્યાંથી જાણું એમ ? અરે... મા.... રા વી...રા ! તમે તો પાછા ભારે ઈન્ટેલેક્ચ્યુઅલ ! રોયાવ.... નથી કહેતો જાઓ ! શું કરી લેશો ?

(‘નવનીત સમર્પણ’, ૨૦૦૩)


0 comments


Leave comment