44 - લીલીછમ આંખોમાં ઊગ્યા ગુલમ્હોર / તુષાર શુક્લ


લીલીછમ આંખોમાં ઊગ્યા ગુલમ્હોર
મને રાતો ઉજાગરો ખટકે
ગોરાંદે, મારી વારતા ન આટલેથી અટકે....

તારા તે હાથ તણી મેંદીનો રંગ
રહ્યો મારા તે હેતથી અજાણ્યો
સપનાની વાટમાં એ પળનો સંગાથ
તો ય રૂંવે રૂંવેથી એને માણ્યો
મને કાળજડે કોઈ ફાંસ ખટકે
ગોરાંદે, મારી વારતા ન આટલેથી અટકે.

દરિયા સંગાથે એની રેતીને ચાહવી
ને ફૂલોની સાથ એનો ક્યારો
ગમતા અણગમતાનો ભૂલે જે ભેદ
એ જ જીવી જાણે છે જનમારો
મને વ્હેરી રહ્યું છે કોઈ કટકે
પિયુજી, મારી વારતા તો આટલેથી એટલે.


0 comments


Leave comment