45 - આજ ઓચિંતો ઊગ્યો ગુલમ્હોર / તુષાર શુક્લ


આજ ઓચિંતો ઊગ્યો ગુલમ્હોર
કાનને તો ઠીક મારી આંખને ન સંભળાયો
ફૂલોના ખીલવાનો શોર

નસનસમાં વહેતાં’તાં આટલાં આ ફૂલ
તો ય ઊભું’તું વૃક્ષ સાવ મૂંગું
પાંદડાએ છોડ્યો’તો ડાળીનો સાથ
એને સાદી ભાષામાં કહે : સૂકું...
રાતા ફૂલોને સંગ લીલાંછમ પાન મહીં
છલકે છે આછેરો તોર

વહેતી હવાએ કહ્યું એવું શું કાનમાં કે
ખીલીને ખાલીપો લ્હેરે
મોસમ પલટાય ત્યારે આનું આ વૃક્ષ પાછું
ખીલીને ખાલીપો પ્હેરે
ખીલવું ને ખાલીપો, બંને જો સમજો તો
એક જ સિક્કાની બે કોર

ખીલવાને ખાલી થવું, ખાલી થવા ખીલવું
એમ સરતી જાય જીવનની દોર.


0 comments


Leave comment