46 - ઉપવનની ભાષામાં જેને ગુલમ્હોર કરે / તુષાર શુક્લ


ઉપવનની ભાષામાં જેને ગુલમ્હોર કરે
એને હું ગીત કહી જાણું
પ્રેમ તણી વાતોમાં વીતી જાય રાત બધી
હું તો બસ, પ્રેમ કરી જાણું
તું આવ સખી, રૂંવે રૂંવેથી તને માણું

નસ નસની લીલી કુંજાર મારી વાડીને
ઈચ્છાના અશ્વો ધમરોળે
છાતીમાં, આંખોમાં, હાથની હથેલીમાં
સ્પર્શોના મેઘધનુ કોળે
સગપણની ભાષામાં જેને રિવાજ કહે
એની હું રીત નહીં જાણું
તું આવ સખી, રૂંવે રૂંવેથી તને માણું.

હેત તણી નદીઓનાં ધસમસતા પૂર
સખી, બંધનની ભાષા ન જાણે
કાંઠાને છોડીને લઈ જાતાં દૂર દૂર
વહી જાતાં વ્હાલપને વ્હાણે
સમજણની ભાષામાં જેને સંબંધ કહે
એને મનમીત કહી માણું
તું આવ સખી, રૂંવે રૂંવેથી તને માણું.


0 comments


Leave comment