47 - કોઈ કહે ગુલમ્હોર બરાબર / તુષાર શુક્લ
કોઈ કહે ગુલમ્હોર બરાબર
કોઈ કહે ગરમાળો
મનગમતી એક ડાળ ઉપર, ચલ
રચીએ આપણો માળો
તું ને હું બંને લઈ આવ્યાં,
મનગમતી કૈં સળીઓ,
સહિયારા સુખના સપનાની
મઘમઘતી એ કળીઓ,
ગમે બેઉને એજ રાખશું,
ફરી વીણશું, ગાશું,
અણગમતું ના હોય કોઈનું
પછી નહીં પસ્તાશું.
વ્હેણ ગમે છે કોઈને વ્હાલમ,
કોઈને ગમતી પાળો
ક્યાંક સ્નેહની શાંત સરિતા
ક્યાંક છે હેત ઉછાળો
સમજણ નામે ફૂલ મ્હોરશે,
પ્રિયે, પ્રેમ સરવરમાં
ટહૂકા નામે શબ્દ ગૂંજશે
સ્નેહ નામના ઘરમાં
શ્રદ્ધાને વિશ્વાસ આપણાં
મજબૂત માળો રચાશે
ભલે ફૂંકાતો પવન સમયનો
આપણો માળો ટકશે.
કોઈ કહે કે મૂળ ઉખડ્યાં
કોઈ કહે કે ડાળો.
શંકા છેદી, કરીને સહિયર,
સમજણનો સરવાળો.
0 comments
Leave comment