48 - રાણી, આ તે ગરમાળાનું ફૂલ કે હોવું પીઠી ચોળ્યું ? / તુષાર શુક્લ
રાણી, આ તે ગરમાળાનું ફૂલ કે હોવું પીઠી ચોળ્યું ?
રાજા, આ તે ગુલમ્હોરના રંગ કે આંગણ કંકુ ઢોળ્યું ?
બારસાખના બોલમાં લીલા આસોપાલવ ડોલે,
ટહૂકા કેરી ભાત પ્રીતના પાનેતરમાં બોલે,
શરણાઈનાં સૂર તણી રમતીલી રૂમઝૂમ પગલી,
ઉંબર આગળ અટકી, જાણે સોહે કંકુ ઢગલી,
રાણી, તરસી ભીંત ને આપણ હોવું ગુલાલ ઘોળ્યું
રાજા, આ તે સૂર કે કોઈ સપનું મીઠું બોલ્યું !
ડગલું એક ને ઈચ્છાઓનાં ખેતર સામાં આવે
ઢોલ ઢબૂકે ધ્રૂસકું થઈને પિયર યાદ સતાવે,
સપ્તપદીના શ્લોક શ્વાસમાં હાથમાં સુખના તલજવ
આંખ તણા ચંદરવા નીચે રહેવું સાથ ભવોભવ,
રાજા, આ તે જીવવું છે કે સુખનું છાલક છોળ્યું !
રાણી, મોઘમ મીઠાશ કેરું ફૂલડું આજે ફોર્યું !
0 comments
Leave comment