50 - અમે અનેરું સંબંધાયા / તુષાર શુક્લ
અમે અનેરું સંબંધાયા
તમારી છો ને કિટ્ટા કિટ્ટા
અંગ અંગમાં સુગંધ છાયા
તમારી છો ને કિટ્ટા કિટ્ટા
સૈયર, મેં તો લોકની સામે એક નામ ત્રોફાવ્યું જોને
ગામ ને મોઢે ગળણું શાને ? જીવતર આ શોભાવ્યું જોને
અમે અમારો ટહુકો લાવ્યા,
તમારી છોને કિટ્ટા કિટ્ટા
હૈયે લીલાં છૂંદણા ભાવ્યા,
તમારી છોને કિટ્ટા કિટ્ટા
સૈયર, ગમતું નામ જો જાણે ગામ, તો મારી અલ્લાબલ્લા
ડરવાનું શું કામ ? લે ડિયો ડામ, કે મારી અલ્લાબલ્લા
અમે આંખમાં સપનાં વાવ્યાં,
તમારી છોને કિટ્ટા કિટ્ટા
હેત થકી હૈયાં મ્હેકાવ્યાં,
તમારી છોને કિટ્ટા કિટ્ટા
સૈયર, હું તો ડાળી, હું તો માળો, હું તો પંખી જોને
હોવું મારું હોવું જાણે હોવું મેઘધનુષી જોને
અમે અનેરું વહેવું લાવ્યાં,
તમારી છોને કિટ્ટા કિટ્ટા
મનગમતું કૈં સહેવું લાવ્યાં,
તમારી છોને કિટ્ટા, કિટ્ટા.
0 comments
Leave comment