51 - સૈયર, મારા રિસામણાની ભીંતથી રેતી ખરતી જો / તુષાર શુક્લ


સૈયર, મારા રિસામણાની ભીંતથી રેતી ખરતી જો
પ્રીતનું પીપળ પાન ફૂટ્યું, એના પાવાની રસમસ્તી જો.

હે ! આંખથી છટક્યો પીપળો ને કાંઈ
ઓસરીએ જઈ મલક્યો હો !
સૈયર, ઉંબર ઓળંગિયા
ને આંગણિયે જઈ છલક્યો હો !

નળિયા વીંધી નીકળ્યો ને કાંઈ, ઓયડે ઊગ્યો પીપળો
ગામ વચાળે જોણું થ્યું, આ તો આભે પૂગ્યો પીપળો.

સૈયર, શીદ તું ગામને મોઢે ગયણું બાંધતી ફરતી જો
બળબળતી આ આંખમાં એની પ્રીતની કૂંપળ તરતી જો.

હે ! હૈયે મલક્યો પીપળો ને કાંઈ
હોવું લૂમેઝૂમે હો
સૈયર, પાયલ પગ ધરું ને કાંઈ
પગલું રૂમેઝૂમે હો

ઘેન ગુલાબી ઓઢણિયુ ને કાંઈ ભરચક ભરચક પીપળો
મનડું એકલ મેળે મ્હાલે, લબડક ધબડક પીપળો.

સૈયર, શાને લાજી મરતી, લોકની ચિંતા કરતી જો !
ભવની કોરી ચૂંદડી મારી, થઈ ગઈ હેત નીતરતી જો !


0 comments


Leave comment