53 - એક છોકરાએ છોકરીને પૂછી લીધું કે / તુષાર શુક્લ


એક છોકરાએ છોકરીને પૂછી લીધું કે
બોલ, ઘર ઘર રમવાની છે હા ?

છોકરીએ શરમાતાં એવું કીધું કે
બીજા બધ્ધાને પાડી છે ના
ને છોકરાએ સમજી લીધું કે, છે હા !

છોકરાએ છોકરીને હૈયે વસાવીને
માંડ્યો મનગમતો સંસાર
છોકરીને આવડે છે ખીચડી-કાઢી
ને તોય છોકરાને લાગે કંસાર.

બેઉ જણે સંગાથે જીવતરની સરગમનો
છેડ્યો છે મધમીઠો સા

છોકરો ઝૂલે છે રોજ હીંચકે
ને છોકરી ય સોફામાં ટી.વી. નિહાળે
સાથે મળીને બેઉ વ્હાલપની શક્તિથી
અહમના ભાવને ઓગાળે
ઘૂંટ પર ઘૂંટ ભારે, લાગે કે બેઉ જણા
પીએ છે ચાહ કે પછી ચા

છોકરા ને છોકરી એ જાણે કે આપણે તો
એકમેક વિના અધૂરાં
ચાખી ચાખીને બોર જીવતરના સંગાથે
માણી રહ્યાં છે મધૂરાં
આમ તો ના હોય કોઈ સુખ કેરી વ્યાખ્યા
પણ પૂછો તો કહી દઉં કે ‘આ’

કેવી નિરાળી રીતે ઊજવે છે બેઉ જણા
વેલેન્ટાઇન વર્ષો, ભૈ વાહ !


0 comments


Leave comment