5 - ‘ઈસ કી મા કા સુંદરજી’ / પોલિટેકનિક / મહેન્દ્રસિંહ પરમાર


    કેટલું રખડ્યો ! બહુ ઉધામા કર્યા. કોઈ માફક જ ન આવે ! એક તો સ્વભાવે એદી, એમાં વાળ કપાવવાની તો ભારે આળસ. જટિયાં થઈ જાય ને ઘરવાળાં ધમકાવે : ‘ભૂંડા લાગો છો, ભૂંડા ! જરીક કાચમાં જોતા હો તો ! કાશ્મરીનું જંગલ થઈ ગ્યું છે માથે. કપાવી નહીં આવો ત્યાં લગી જમવા નહીં મળે !’ ... ત્યારે પરાણે બહાર પડું. સ્કુટર પર ધીમી ચાલે જોતો જઉં. જ્યાં કોઈ ન હોય એવી દુકાન પસંદ કરું. પણ સાલું જામે જ નહીં. ‘આવા કટ રાખ ને ટી.સી. વધારે, પાછળથી ઓછાં, સહેજ ઓછાં... આવું આવું ઘણું કહેવાનો મનસૂબો હોય પણ ખુરશીમાં બેઠાં પછી કોણ જાણે કેમ, મોઢું સિવાઈ જાય. બીજા નંબરમાં નડે અભિમાન. ‘સાવ હાલી-મવાલી હજામના હવાલે આપણું કરોડ રૂપિયાનું માથું ધરી દેવાનું ? મૂંડી નીચી કરી દેવાની ?’ જરીયે જચે નહીં, પણ શું કરું ? આવી સ્થિતિમાં વાળ કપાવીને ઘેર જઈએ ત્યાં વળી મિસિસ પોંખે : ‘આ ક્યા સુતાર આગળ વેતરાવ્યા ? તમને તો કોઈ સારો હજામે ય નથી મળતો !’ એટલે નક્કી કર્યું કે એને બતાવી દેવાય એવો ‘હજામ’ શોધ્યે પાર. છ મહિનાની શોધ પછી ‘હૅર ઍન્ડ કૅર’માં ઠર્યો.

    શનિવાર હતો. દૂરથી જ સારી અને ખાલી દેખાતી હતી એટલે પસંદગી ઊતારી. થયું, ઘણાંને અજમાવી જોયાં, હવે ‘હૅર ઍન્ડ કૅર’ને અપનાવી જોઉં. જોઈએ તો ખરા, કેવીક ‘કૅર’ કરે છે !... પગથિયું ચડી અંદર ગયો. બે બાજુ બે ખુરશી. દુકાન ઠીક ગણાય તેવી. જમણી ખુરશીએ મોટી ઉંમરના માણસે મરકીને આવકારસૂચક આમંત્રણ આપ્યું. હું એના તરફ વળું ત્યાં, ડાબી ખુરશીએ ઊભેલા જુવાન છોકરાએ નેપકિનથી ખુરશી ઝાપટી અને આંતર્યો : ‘આવો સાહેબ, આવો !’ ગયા જનમથી મને ઓળખતો હોય એવો એનો ભાવ હતો. થયું, ‘બુઢ્ઢા કરતાં છોકરો જ ઠીક છે. નવી ફેશનના કરી આપશે, એને કંઈક કહી પણ શકાશે.’ સ્કુટરની કી-ચેઈન સ્ટેન્ડ પર મૂકી હળવેકથી ખુરશીમાં ગોઠવાયો ત્યારે પેલા બુઢ્ઢા માણસનું ગરાસ લૂંટાઈ ગયેલું મોઢું કાચમાં સામે આવ્યું. એણે કાતર નજરે છોકરા સામે જોયું તે મેં નોધ્યું : ‘બાપ-દીકરાને બહુ જામતું નથી લાગતું.’
‘બો...લો... સા... હેબ બાલ-દાઢી ?’
    મારું માથું સરખું ધૂણે ન ધૂણે ત્યાં તો કબાટમાંથી ચોખ્ખું બગલાની પાંખ જેવું કપડું કાઢી, ઝાપટી મારા ગળા ફરતે વીંટાળી દીધું. નરમ-હળવા હાથે ગળા ફરતે દોરીની ફૂલગાંઠ જાદુગર કે.લાલની જેમ મારી. હાથ સાફ કરી ખીસામાંથી માવો કાઢ્યો : ‘ખાસો સાહેબ ?’ મેં આંખોથી ના કહી એટલે હથેળીમાં બરાબર મસળીને મોંમાં ઓરી પ્લાસ્ટિકનો ડૂચો વાળી બહાર ઘા કર્યો : ‘બોલો સાહેબ, કેવા રાખશું ? એપલકટ, મશરૂમકટ, સ્પાઈકકટ, સલમાનકટ, આમિરકટ, કટ... કટ... કટ...’ ગૂંગણા અવાજે એણે કેટલીય કટોનાં નામ લઈ લીધાં. મારી આજ્ઞાની રાહ જોતો ઊભો રહ્યો એટલે હું થોડો ડઘાઈ ગયો. આજ સુધીમાં આવું કોઈએ પૂછેલું જ નહિ ને ! કાચમાં એની સામે ધ્યાનથી જોયું. મોટી-મોટી આંખો, ઊંચો-ગોરો જરીક દૂબળો. એના માથા ઉપર ધ્યાન ઠર્યું. બોલવાનો ઉત્સાહ થયો : ‘આ તારી કઈ કટ છે?’
‘મિલેટ્રી કટ સાહેબ. કરવા છે ? તમને ‘ટોપ’ લાગશે, ફોજી લાગશો સાહેબ, ફોજી !’
    હું કાંઈ બોલી ન શક્યો તો સામે કાચમાં જોયું. મેં મૂંગામૂંગા જ ડોકું ધુણાવ્યું એટલે તરાપ મારીને પાણીની બોટલ લઇ ફુવારો મારી, મને ચમકાવી દીધો. આંખો ખોલબંધ કરું ત્યાં તો વાળ ભીંજવી દીધાં ને હળ ફેરવતો હોય એમ ક્યાંક સુધી વાળમાં આંગળાં હળવે હળવે હંકાર્યા કર્યાં. વિચારમાં સરી પડ્યો હોય એમ લાગ્યું એટલે મેં ખોંખારો ખાધો. એ ચમક્યો, માવાની પિચકારી મારવા દુકાનના બારણા સુધી ગયો. રોડ પરની દુકાન, એટલે વાહનોના આકારો નાના મોટા થતાં આંખને ખૂણે આવીને સરી જાય. ત્યાં તો એ જ આવી ગયો. ખાનામાંથી દાંતિયો-કાતર કાઢ્યાં. કાતર ખટ ખટ થતી જોઈ. ‘હાશ, હવે ચાલુ કરશે.’ ના, ટેપ ચાલુ કર્યું. ખલ્લાસ હમણાં શરૂ થશે, ‘કાંટા લગા’, ને કરી દેશે માથું કાણું, અહીં ક્યાં ભરાઈ પડ્યો !’ ત્યાં તો મહેન્દ્ર કપુર ‘મેરે દેશ કી ધરતી સોના ઉગ લે... !’ છોકરો તો જુદા ટેસ્ટનો નીકળ્યો. ક્યા બાત હૈ !

    મારા માથાને દેશ કી ધરતી ગણીને ફસલ લણતો હોય એમ એનો હુન્નર શરૂ. બીજે તો બેસીએ કે તરત બે ચાર દાંતિયા આમ તેમ ભરાવીને આપણા વાળનો ખુરદો વાળી દે. ત્યારે આ તો, એક એક લટને આંગળી વચ્ચે નાજુકાઈથી પકડીને ફૂલ ચૂંટતો હોય એમ કાપે. શું આ જ હશે મારા સ્વપ્નનો હજામ ? અમસ્તો તો હું વાળ કપાતા હોય ત્યારે આંખો બંધ કરીને બેઠો રહું. આજે ઉત્સાહમાં કાચમાંથી એની એક એક ગતિવિધિ જોતો હતો. ખુરશીના હાથા પર ટેકવેલા મારા હાથને એના શરીરનો ‘અમુક’ ભાગ વારેવારે અડ્યા કરતો હતો. ‘હોમાત્મક લઘુરુદ્ર’ (‘હોમો’ ને અમે એમ ઓળખાવતા) તો નહીં હોય ને !’ મને ભય પેઠો, જાણી જોઈને એવું કરતો હોય એવું તો ન લાગ્યું પણ મેં સંકોચાઈને કાચબાની જેમ હાથ અંદર ખેંચી લીધા. બધો વખત એની જીભ કાતરની સાથે ચાલ્યા જ કરે. ટૅપમાં ગાંધી, સુભાષ, ટાગોર, જવાહર સુધી દેશકી ધરતી પહોંચેલી ત્યાં એણે ધડાકો કર્યો : ‘ઇસકી મા કા સુંદરજી, અટલબિહારી ઢીલો પડે છે સાહેબ.’ મારું માથું ઝટકો ખાઈ ગયું. ‘લે આલ્લે આ તો ગાળો પણ બોલે છે ! નાપાસ થશે કે શું ?’... મારો અણગમો જોઈને પામ્યો હોય તેમ સમજાવવા લાગ્યો.
‘જોવોને સાહેબ, કારગીલની પથારી ફેરવે છે તે ! આપડી માથે ચડી બેહે તો પછી કાંઈ મૂંગા રે’વાય ? સીદ્ધા કરાંચી પર હુમલો જ કરવાનો હોય. આઈ.એસ.આઈ.વાળાની તો બરાબરની આણી નાંખવી જોવે ! હેં કે ન’ઈ ?’
    હું કંઈ બોલું-વિચારું ત્યાં તો પેલા એના ‘બાપા’ ને ગુસ્સો ચડ્યો. ઘુરકીને ટેપ બંધ કરી દીધું. પોતાના અધિકાર ભાવનું પ્રદર્શન કરવું હોય એમ ટીવી.માં જોઈ રહ્યો. ‘આલ્ફા સમાચાર’ આવતા હતાં.
‘ના ના જોઈ લ્યો સાહેબ, આ જોઈ લ્યો ! ઈન્ડિયા ગેટ પર ધડાકા, ઈના ઈ જ આઈ.એસ.આઈ. વાળાઓ !... હેં, આ નવું કોણ ? હેં સાહેબ, આ ગુજરાત રિવેટ ગ્રુપ વળી શું ફૂટી નીકળ્યું ?’
    મને મજા આવી, ‘પહેલા તારું નામ શું એ કહે !’ એ ખચકાયો... ‘ભરત, સાહેબ.’
    લ્યો, વળી એક ભરત ! ભરત નામમાં જ કંઈક લાગે છે, અત્યાર સુધીમાં જેટલા ભરત મળ્યા તે બધા ભરેડી. ચલતાપૂર્જા જેવા. એક ભરતને બહુ ખીજવેલો : ‘ભરત કૂકડી ભરી બંદૂકડી, ગઈ’તી ના’વા, લઈ ગ્યા બા’વા !’ આનું કેમ થશે ?’ ટીવીમાં ગુજરાત રિવેંજ ગ્રુપે સ્વીકારેલી જવાબદારીના સમાચાર હતા... ઉકળી ગયો : ‘ઈસકી મા કા સુંદરજી, સાહેબ, હું ફોજમાં હોઉં ને તો ગુજરાત રિવેટ ગ્રુપનો કટકો કરી નાંખું, ફાટીને ધુમાડે ગ્યા છ ઈસ કી મા કા સુંદરજી !’ થયું, ‘હવે તો પૂછી જ નાખું.’ કાન ઉપરથી એની કાતર અર્ધવર્તુળ નીચે જતી હતી ત્યાં મેં પૂછ્યું :
‘ભરત, આ ઈસ કી મા કા સુંદરજી કોણ ?’
    એનો હાથ ઠરી ગયો. શરમાઈ ગયો હોય એવું લાગ્યું, ‘કોઈ ન’ઈ સાહેબ ભાઈબંધ પાંહેથી શીખાઈ ગ્યું. ભાઈબંધ ખીજાતો તંયે બોલતો. થાય છે એવું કે મારે ય હાળો કંટ્રોલ નથી રે’તો, ઈસ કી... સ્યોરી હૉ સાહેબ સ્યોરી. ચા પીસોને સાહેબ ?’

    હું હા-ના-ના-હા- કરું ત્યાં એણે સિસકારો કર્યો. રોડની બાજુએ ચાની રેંકડી તરફ બે આંગળી ત્રણવાર હલાવી. વાહનોની અવર-જવર વચ્ચે એ છોકરીએ ડોકું હલાવ્યું તે મેં જોયું. એ જાણે આના સિસકારાની જ રાહ જોતી ઊભી હોય એમ બીજી મિનિટે ચા લઈને હાજર થઈ ગઈ. સત્તર-અઢારની હોવી જોઈએ. ભરત સામે એકધારું ટીકી રહેલી. તારામૈત્રક? હમ્, તારામૈત્રક જ...

    ‘જોઈ શું ર’ઈ છો? સાહેબને આપ !’ પેલી ચા મૂકીને જતી રહી. ભરતે પેલા ‘પિતા’ને આંખના ઈશારે ચા માટે પૂછ્યું. પણ એનો ગુસ્સો એવો ને એવો જ હતો. મોઢું કટાણું કરી એણે ના પાડી.

    ‘પાડે, આપણે શું?’ મેં મન મનાવ્યું. ‘આલ્ફા સમાચાર’ની જેમ અમારે ય કોમર્શિયલ બ્રેક પડ્યો. હજામની દુકાનમાં કોઈ દિવસ આટલું બોલ્યો ન હતો એમાં આજે તો ચાની ઑફર થઈ. હું ભાવવિભોર બની ગયો. થોડી હિંમત પણ એ કારણે વધેલી. કપડામાં સંકોરી લીધેલો હાથ બહાર કાઢી ઘૂંટડો ભર્યો. કંઈક વાત થઈ શકે. પેલા બુઢ્ઢા તરફ ઈશારો કરી પૂછ્યું : ‘તારા ફાધર છે ?’
‘ના સાહેબ, દુકાનમાલિક છે. રોજમદારીએ કામ કરું છું.’

    માવો થૂંકી, કોગળો કરી એણે ચાનો ઘૂંટડો ભર્યો. મને સહેજ સંકોચ થયો. હું તો દુકાન એની માનતો હતો.
  ‘રોજના કેટલા મળે ?’
  ‘બાલે પાંચ ને દાઢીએ બે. ક્યારેક સો-સવાસો થઈ જાય, ક્યારેક ચાલીસ. આની કરતાં તો ફોજમાં જતાં રે’વું હારું. દેશની સેવા થાય ને પૈસા ય મળે.
  ‘હં, બરાબર ભણ્યો કેટલું ? ઘરમાં કોણ-કોણ ?’
  એણે નિ:સાસો નાંખ્યો. ‘બાપા નથી સાહેબ. બે બેનું ને બા. ભણવું’તું નવ ધોરણે પુગ્યો ને બાપા વયા ગ્યા. લાગી જવું પડ્યું. વડોદરે જઈ શીખ્યો. વીસ દુકાન બદલી. હમણાં આંયાં છું.’
    છોકરી ખાલી પ્યાલી લેવા આવી. દુકાનમાલિકે ટપારી : ‘ચા એની ડાયરીમાં લખજે પાછી અને ઝટ્ટ હાલતી થા !’ બ્રેક પછી કાર્યક્રમ શરૂ થયો. પાછળના વાળ ઝીણા કરવાનું એણે ક્યાંય સુધી મશીન ફેરવ્યું. મૂંગા મૂંગા જાતને ક્યાંક પરોવવાનો પ્રયત્ન કરતો હોય એવું લાગ્યું. કાચ હલાવીને પાછળ ધર્યો : ‘બોલો સાહેબ, લાગો છો ને મિલેટ્રીના કમાન્ડર !’ હું મરક્યો એટલે હળવેથી ફૂલગાંઠ છોડી. વાળ ન ઊડે એમ કપડું સાચવીને લઈ લીધું. સીટની પાછળનો સ્ક્રૂ ઢીલો કરી સ્ટેન્ડ ઊંચું કર્યું. માથું ત્યાં ટૅકવાઈ ગયું, કાચ પરણી અભરાઈ પરથી ‘ઓલ્ડ સ્પાઈસ’ બ્રશ પર લગાવી ફેરવવા માંડ્યો, ઘડીકમાં શેવિંગ ક્રીમની ભરતી આવી ગઈ. ભરતનાં નમણાં હાથથી મને ઊંઘ આવવા જેવું થવા માંડ્યું ત્યાં, ‘હેં સાહેબ ! કાલે સ્ટાર ઉપર આમિરખાનનો પ્રોગ્રામ જોયો ? જલસો પડી ગ્યો સાહેબ, કારગીલ બોર્ડર ઉપર ફોજી ભાયો હારે ત્રણ દિ’ર્યો. મુસલમાન છે તો ય. બોલો ! મારી બેટી સગવડું કાંઈ વધી ગઈ છે ! એક જવાનને ન્યાં કાશ્મીરમાં બેઠાં-બેઠાં રાજસ્થાનમાં એના બૈરા-છોકરાં ને મા-બાપ હારે ટીવીમાં વાતું કરાવી. જવાનની વવને સંદેશો આપવાનું કીધું તો કે ‘અપના ખ્યાલ રખના !’ આપણને સાહેબ ‘ટચ’ કરી ગઈ બાઈ. હું ફોજમાં હોઉં ને મને ય કો’ક આવું કે’તો કેવો જલસો પડે સાહેબ !’

    છોકરો હવે વધુ ખુલવા મંડ્યો’તો. હું ય એની વાતમાં હવે ભળતો જતો હતો. એની વાતે વાતે લશ્કર, દેશ, જવાબ આવ્યા કરે એટલે મને વધુ ગમે. હજામના મોઢે આવી વાતો સાંભળું ને મને થાય : ‘દેશભક્તિ કાંઈ કોઈના ફાધરનો ઈજારો નથી.’ ત્યાં તો એણે મારું મોઢું ડાબી બાજુ કરીને અસ્ત્રો શરૂ કર્યો ને એથી ય ધારદાર પ્રશ્ન ‘હેં સાહેબ ! આ સમાચારમાં આવે છે કે વડોદરામાં તોફાન. પરિસ્થિતિ તંગ છતાં કાબુ હેઠળ, કાશ્મીરમાં ય તંગ, અમદાવાદમાં ય તંગ અને હવે બાકી હતું તે આપણા ગામમાં ય... પરિસ્થિતિ તંગ હોય ને પાછી કાબૂ હેઠળ !’ હું હસી પડ્યો. થયું ‘કાબૂ હેઠળ’ની પરિસ્થિતિએ આને બરાબર ઉપર-નીચે કર્યો લાગે છે !
  ‘હા, હા સાહેબ હાચું કવ છું : આ બધાને તો ફોજવાળા જ પોગે.’
  ‘ભરત, તને ફોજમાં જવું ગમે ? જવું છે તારે ફોજમાં ?’
  મારા ઓચિન્તા પ્રશ્નોથી એ થંભી ગયો. કાચમાં મારી સામે જોયું. ‘સોમવારે લશ્કરની ભરતી છે. તારા ઘરની તંગ પરિસ્થિતિ થાળે પાડવી હોય તો જતો રહે.’ એ માનતો ન હોય એમ જોઈ જ રહ્યો.
  ‘તારો મેળ પડી જાય. હાઈટ-બોડીનો સવાલ નથી.’ એની આંખોમાં ચમક. ‘વજન કેટલું છે તારું ભરત ?’
  ‘હશે અડતાળી કિલો સાહેબ !’
  ‘પચાસ જોઈએ, નહિતર કાઢી મૂકે.’
    એ ઢીલો પડી ગયો. પણ મેં જ પાછો એનો ઉત્સાહ વધાર્યો : ‘વજન તો તાત્કાલિક વધારી શકાય. સવારમાં બે ડઝન કેળાં ખાઈ લેવાનાં. દોડ કૂદ, દંડ-બેઠક એવું બધું કરવું પડે ભરત. તારાથી થાય ?’
  ‘હા, હા સાહેબ, નો કેમ થાય ?’ બુઢ્ઢા સામે જોઈને કહે, ‘આવી તંગ પરિસ્થિતિમાંથી છૂટાતું હોય તો બધું થાય. આમાં તો બોર્ડર પર જવાનું છે. ઈસ કી મા ક સુંદરજી, મૂંડો કરી નાંખું આંતકવાદીઓનો !’
  ‘તો પછી ભરત, કર ફતેહ, કાલે પોલિસગ્રાઉન્ડ પર પહોંચી જા.’
    આજે જ ભરતી થઈ હોય એમ એણે ઉત્સાહમાં આવી બીજી વારનો અસ્ત્રો મારી ફુવારો છાંટ્યો. ભાત-ભાતનાં ક્રીમ મોઢે લગાડી હાથના પંજામાં માલિશનું મશીન લગાવી મારા મોઢે ફેરવ્યું. એનો હાથ મોં પર ફરતો’તો ત્યારે, ‘હવે આ જ હાથ બંદૂકની ટ્રીગર દબાવશે.’ એ કલ્પનાથી હું રોમાંચિત થઈ ગયો. એણે કરી દીધેલી ‘આફટર શૅવ’ની ટાઢક મને આખા શરીરે થઈ. ચાના હિસાબે પાંચ રૂપિયા વધારે મૂક્યા. બુઢ્ઢા સામે એક નજર નાંખી. ‘ચાલ ભરત, ભૂલતો નહિ પાછો સોમવારે. પહોંચી જા મિલ્ટ્રીમાં.’ એણે હકારમાં માથું હલાવ્યું. હું ખૂબ ખૂશ. આજે ઘરવાળીને કહી દઈશ, ‘જોઈ લે આજે સુતાર આગળ નથી વેતરાવ્યા ! હજામ મળ્યો છે હજામ ! ભરી બંદુકડી જેવો હજામ ! હવે એ ય હાથમાં બંદુક લેવાનો છે !’
**
    સોમ-મંગળ બે દિવસ મારો જીવ ક્યાંય ન ચોંટ્યો. છાપાંમાં ભરતીના ફોટા આવે તે ધ્યાનથી જોયા. ચાર હજાર જુવાનોના ટોળાંમાં ભરતનો ચહેરો શોધવા હું બહુ મથ્યો. મારો ફેવરિટ હજામ કારગીલનો સૈનિક થઈ શક્યો હશે કે નહીં ? થઈ જ ગયો હશે, મને ચટપટી ચાલી, ‘હૅર ઍન્ડ કૅર’ પર જવાય તો ખબર મળે. દાઢી વધવા દઈને હું ગુરુવારે જ સવારમાં પહોંચી ગયો. બુઢ્ઢો માલિક સેન મહારાજને અગરબત્તી કરતો’તો ને ખભે નેપકિન નાખીને ભરત પણ ઊભેલો. શું થયું હશે ? ટ્રેઈનિંગ માટે મુદત પડી હશે ? મહિના પછી જવાનો હશે ? મેં એની સામે જોયું, એણે આંખના ઈશારે ખુરશી ચીંધી. એની સામે મરકીને હું ખુરશીમાં ગોઠવાઈ ગયો. સીધેસીધું એને કેમ પૂછવું એવી અવઢવમાં દાઢી ચીંધી. એણે માથું સ્ટેન્ડ પર ઢાળી નેપકિન ખભેથી મારી છાતીએ મૂક્યું તે ખભા પરથી બંદુક ઉતારી જમીન સરસી સૂવરાવતો હોય એવો ભાસ થયો. બોલ્યા વિના યંત્રવત્ ક્રીમ લગાવ્યું. એના હાથમાં આજે તે દિવસના ઉત્સાહની ભરતી નહોતી. ખાસ્સીવાર ભારેખમ મૌન રહ્યું. મારાથી મૌનનો ભાર વધુ ન જિરવાયો. પૂછી જ નાંખ્યું : ‘શું થયું ભરત, પછી જઈ આવ્યોને ભરતીમાં ? થઈ ગ્યું ને ?’

    એણે બ્રશ લગાવવાનું બંધ કર્યું. દુકાનની બહાર માવાની પિચકારી મારી. પાછળ હાજરાહજૂર દુકાનમાલિક તરફ એક લાચાર નજર નાખી. અસ્ત્રો સજ્જ કર્યો :

    'પંદર રૂપિયાના કેળા ખાધાં સાહેબ. વજન પાંચ કિલો થઈ ગયું. હાઈટ-બોડીનો સવાલ હતો ન’ઈ, છત્રીની છાતીને પોણા છ હાઈટ. હું તો આયા દુકાનમાં ને દુકાનમાં હોઉં એટલે ખબર નો હોય પણ ગ્રાઉન્ડમાં ગ્યો ‘તો છકડી ખાઈ ગ્યો સાહેબ ! ઓહોહો ! આટલી બધી પરજા ! માળા હાળા ગામેગામથી વયા આવેલા. મારી હારે કેળાં ખાવામાં જ કેવી ગડદી ! ભરતીમાં જાવા કરતાં ભરતી હોય ન્યાં કેળાની લારી લઈને ઊભા રહી જાઈ તો કમાણી થાય.’ એનો અસ્ત્રો ધીમે-ધીમે દાઢી પરના ક્રીમમાંથી રસ્તો કરતો જતો હતો.
    ‘ગડદી ગડડદી ને દેકારો સાહેબ ! ઠોલકા મારા બેટા, આપણે કાચા કામના કેદી હોઈએ એમ સટાસટ લાકડિયું ફટકારે. ખુલ્લા ડિલે જાંગિયા પે’રીને સવ બેઠેલા. ચાર-પાંચને પરસાદ મળ્યો પછી હોપો પડી ગ્યો. વજનમાં ને હાઈટબોડીમાં ઘણા નીકળી ગ્યા. સ્મશાનમાં ડાઘુ બેઠા હોય એમ ઈ બધા એક કોર ઊભડક બેઠા અમને જોવે. ચાર રાઉન્ડ દોડાવ્યા. હું તો સાહેબ કારગીલ પો’ગવાના તા’માં ને તા’માં સવથી પેલો પોગ્યો. પદડા નીકળી ગ્યા સાહેબ. ટાંટિયા કીધું નો કરે. પછી ડંડ કરાવ્યા. ‘દસ ઊભા ને વીસ આડા.’

    ‘એ.... આસ્તે ! જોજે લોહી કાઢતો નહીં !’ એના અસ્ત્રાએ છરકો લીધો ને લોહીનો ટશિયો ફૂટ્યો. એણે હાંફળા-ફાંફળા પાઉડર લઈ લોહી બંધ કર્યું. હું મૂંઝાઈ ગયો. બુઢ્ઢો માલિક ગુસ્સાથી જોઈ રહ્યો.
‘સ્યોરી સાહેબ ! હાથ એવા કળે છે કે અસ્ત્રો બરાબર પકડાતો નથી.’

    મારા મનમાં એના માટે સહાનુભૂતિ થઈ ત્યાં એણે મોઢું જમણી બાજુ કર્યું. કાચ બહારની સરતી દુનિયા ય ભરતી થવા દોડતી હોય એવી દેખાયા કરતી’તી. મારી નજર રોડને પેલે પાર ચાની કેબિને ગઈ. એ જ પેલી છોકરી.

    ‘ભરત, ચાનું કહે ને !’ મારાથી એવું કેમ કહેવાઈ ગયું તેનું મને જ આશ્ચર્ય થયું. એણે છોકરી તરફ નજર નાંખી. મારી સામે શૂન્યભાવે જોયું. ‘જવા દયોને સાહેબ, ચા જ છે હવે !’

    એણે આનાકાની કરી ને મને ઉજમ ચઢ્યો. થયું ‘એન્ટ્રી મારું.’ દુકાનમાલિકને પૂછ્યું : ‘કાકા, તમે પીશો ને ?’ એણે જવાબ ન આપ્યો. ઘરાકના વાળ કાપવાની ગતિ વધારી દીધી. મેં જમણી બાજુ જોઈ મોટેથી સિસકારો કર્યો. મારો સિસકારો વાહનોના અવાજની વચ્ચે રસ્તો કરીને ચાવાળી છોકરી સુધી પહોંચ્યો. પેલીએ જોયું એટલે મેં ‘બે’ની નિશાની કરી. ભરત એટલામાં ટીવી ચાલુ કરતો’તો.

    ‘હા, ભરત, ત્યારે પહેલી ટેસ્ટમાં તો તું દોડી-કૂદીને પાસ થઈ ગયો. સારું કહેવાય. કોઈ જાતની પ્રેક્ટીસ વિના એમાં પાસ થવું અઘરું છે. તે રંગ રાખ્યો.’ મારી પ્રશંસા એને જરીકે ન સ્પર્શી. માંદા અવાજે એણે કહ્યું.

    ‘હા સાહેબ, થાતા તો થઈ ગ્યો. ઈસ કી મા કા સુંદરજી, નો થ્યો હોત તો હારુ થાત...’ ત્યાં જ ચાવાળી છોકરી આવી. ભરત આમે એણે આંખ મારવા જેવું કર્યું ને ભરત ઉકળ્યો, ખીજમાં અસ્ત્રો ઉગામ્યો :
‘વાયડીની થ્યા વગર છાનીમાની ચા મૂકીને હાલતીની થા !’
    છોકરી ડઘાઈ ગઈ. વળતી ઉદાસ નજર નાંખીને જતી રહી. કારગીલનો સૈનિક વિના કારણે ચાવાળી પર કેમ ઉકળી ગયો તે મને સમજાયું નહિ. એ તો બીજી વારનું બ્રશ લગાવવા માંડ્યો હતો.
‘ઠીક ભરત, પછી તો દાક્તરી તપાસ જ બાકી રહી કેમ ?’
    એ અટકી ગયો. ઑક્સિજન લેતો હોય તેમ બોલ્યો :
    ‘દોડ-કૂદ-દંડ બેઠકમાં કેટલાંય જનાવર ખડી ગ્યા. છેલ્લે અમે દોઢ-સો જણા રયા. એમાંથી એક-સોને લેવાના હતા. પાંચ ગ્રુપ પાડી દીધેલાં.... કો’ક કે’તું’તું કે પચા હજાર આપીએ તો લઈ લે બારોબાર. હું તો આવું માનું જ નહીં : ફોજમાં કંઈ થોડા ‘ભોગ’ ધરવાનો હોય? થોડીકવાર થઈ ત્યાં એક મૂછડ કદાવર આવ્યો. અમે પાકિસ્તાની કેદી હોઈએ એમ ઑડર ફાડ્યો ‘સબ કપડે ઉતાર દો !’ હવે ‘સબ’માં તો એક જાંગિયાભર હતા સઉ ! ઈ...ય ઈસ કી મા કા સુંદરજી, ઈ ય કરવું પડ્યું સાહેબ !’ એ બોલતો’તો ત્યારે બધું થંભી ગયેલું લાગ્યું મને. હું ય સડક થઈ ગયો. હવે એ આગળ નહીં બોલી શકે એમ લાગ્યું ત્યાં જ એ બોલ્યો : ‘થઈ ગ્યા હાવ એમનેએમ સાહેબ. કારગીલમાં હાવ ‘આમ’ રે’વાનું હસે સાહેબ ? ઓલો તો ઑડર ફાડીને વયો ગ્યેલો. આંઈ પચા જણાની અમારી ટોળીમાં સવ એકબીજાની ઠેકડી કરે. ખિખિયાટી કરે. હું તો સાહેબ ડઘાઈ ગ્યો. આવું કોઈ દિ’ ધારેલું જ ન’ઈ. આખી દુનિયા આપણને આમ ભાળતી હોય ને આપણી ઠેકડી ઉડાડતી હોય ઈ સહન નોં થાય. હેઠું જોઇને ઊભો રયો. ધરતી મારગ દે તો વયો જાવ માલીપા એમ ઘણું થાય-પણ બોડર ઉપર જાવાની ચળેય પાછી એવી કે દોડીને નીકળી જાવાની હિંમત નો થાય.’

    .... એ મૂંગો-મૂંગો અસ્ત્રો ચલાવતો હતો કે ધરતીમાં ઊતરતો જતો હતો તે મને ન સમજાયું. બહુવાર સુધી એ કાંઈ બોલ્યો નહીં એટલે મેં ટપાર્યો : ‘હં... પછી ?’
   ‘માઈ ગ્યુ સાહેબ જવા દ્યો ને મારે આ અસ્ત્રો જ હારો છે.... આંયા જ મારું કાશ્મીર ને આયા જ મારું કારગીલ...’
   ‘.... અરે પણ તું ફોડ પાડીને વાત કર તો કંઈ રસ્તો નીકળે ને ?’
    એનાથી ફોડ કેમ પડાતો નથી એનો મને મૂંઝારો થયો. એનાં મૌનને કારણે ‘આલ્ફા સમાચાર’ને બોલકા થવાની તક મળી. બિહારમાં દલિતો પર સવર્ણોના અત્યાચારના કારણે પરિસ્થિતિ તંગ હતી પણ કલેકટરે મુલાકાતમાં કિધું કે કાબુ હેઠળ છે. સમાચાર જોતાં ભરતને ઓચિંતો ઉજમ ચડ્યો. ફૂવારો લઈને મારા મોઢા પર છાંટ્યો. હું ઝબકી ગયો ત્યાં તેણે મારું મોઢું નેપકિનથી ઢાંકી દીધું. જાણે એ વાત કરતો હોય ત્યારે હું એને જોઉં નહીં એવી એની ઈચ્છા ન હોય ! દૃશ્યજગત બંધ થયું ત્યાં એનો અવાજ સંભળાયો : ‘વારાફરતી વારો આવે સાહેબ એક એક જણને બોલાવે. અટાણે જ જવાનું હોય કરાંચી એમ લશ્કરી દાક્તર ડોળા કાઢ્યા કરે.’
  ‘ઈસ કી મા કા સુંદરજી, કાંઈ કે’વા જેવું નથી સાહેબ, જાવા દ્યો ને...’ એણે નેપકિન હટાવી લીધું. હું ય થોડો ખીજાયો.
  ‘તું તો યાર બહુ વેવલો. કહેવું હોય તો કહી દેને હવે !’
    એ ઘડીભર મૂંગો રહ્યો. ઊંડો નિસાસો નાંખ્યો.
    ‘સાંજ પડી ગ્યેલી સાહેબ, કયું નો લાઈનમાં ઊભો’તો ને ક્યાંય ઠરવા ઠેકાણું નો’તું તે જીવ વળગાડવા ક્યાંનો ક્યાં લડાઈમાં જઈ આવ્યો. તો ય વારો ન આવ્યો. પાછો જાણે હું કારગીલ વયો ગ્યો. ન્યાં ટીવી વાળા આવ્યા. જાણે આમિરખાન હાર્યે ફોજીઓને રે’વા મળ્યું. એમાં મારો ય વારો આવ્યો. મારે ગામ મારી વવ-આ ચા દઈને ગઈ ને ‘ઈ વાયડીની, ઈ દેખાણી ! ટીવીમાં મને કે’તી : ‘અપના ખ્યાલ રખના’ હું તો સાહેબ એમાં જ ખોવાઈ ગ્યો તો’ ત્યાં પાછળથી કો’કે ધક્કો માર્યો, ‘જા તારો વારો’ કારગીલ ને આવડી આ રયા એક કોર ને સામે ઓલો ડૉક્ટર ! ‘સબ કપડે ઉતાર દો’વાળો ! તરબૂચ ને સરકરટેટી તપાસતો હોય એમ આખા ડિલે જ્યાં ને ત્યાં ટકોરા માર્યા. છાતી ઉપર જોસથી પંજો માર્યો. પછી સાહેબ, નોં અડવાની જગ્યાએ અડીને ક્યે ‘ઉધરસ ખા !’ ઉધરસ તો ખાધી... પણ સાહેબ.... આ બિહાર જેવું થ્યું ! પરિસ્થિતિ ઓચિંતાની તંગ થઈ ગઈ. બિહારમાં ગધનો કલેક્ટર કાબૂ હેઠળ કે’તો’તો, મેં ઘણું કર્યું પણ કાબૂ હેઠળ નોં જ આવી. હાહરીના દાક્તરે કૂલા ઉપર એક લાકડી ફટકારી. ‘ચલ ભાગ સાલે. કહાં સે હાલી નીકળતા હૈ લબાડ ? ચલા હૈ ફોજી બનને’ ઈસકી મા કા સુંદરજી, આટલા જવાન ફોજમાં છે ઈ ય ભરતીમાં ગ્યા જ હશે ને ? ઈ કોઈને આવું નં’ઈ થ્યું હોય ? મને જ હું કરવા કાઢી મૂક્યો ? કો’ક પાંહેથી વધુ પૈસા લેવા હશે ? લાગવકવાળા બીજા હશે ?’

    - ઓહ નો, આમ વાત છે !... મારા સૈનિકની કહાણીએ મારો ઉત્સાહ હરી લીધો.

    માવો થૂંકવા એ બારણે ન ગયો, ઊતારી ગયો ગળે, ઝેરના ઘૂંટડા ભરતો હોય એમ ! એનાથી હવે વધુ બોલાય એવું નહોતું. જરૂર ય નહોતી. એણે ક્રીમ-પાવડર વગેરે કરવા હિલચાલ કરી. મારાથી ના પડાઈ ગઈ. ઝડપથી હું નીકળી જ ગયો.

    આ.... ત્યારથી મારા મનની પરિસ્થિતિ કાબૂ હેઠળ નથી. એના જ વિચારો આવ્યા કરે. એના યાદ કરતો બેઠો રહ્યો. બીજું કાંઈ કરી શકવાની તો સ્થિતિમાં હતો નહીં એટલે અંતે એક નિર્ણય પાક્કો કરી શક્યો : ‘હવે માથું કાશ્મીરનું જંગલ થઈ જાય કે ગિરનારી બાવાની જટા થઈ જાય... ને ઘરવાળી ઘમકાવે તો ય ક્યાંય જવું જ નથી ને ! ઈસ કી મા ક સુંદરજી !!’

(‘ખેવના’, ૨૦૦૪)


0 comments


Leave comment