13 - ક્યાંક મંઝીલ ક્યાંક ઠોકર છે હૃદય / હર્ષ બ્રહ્મભટ્ટ


ક્યાંક મંઝીલ ક્યાંક ઠોકર છે હૃદય,
આ વળી કેવું મુસાફર છે હૃદય.

છે સકલ પૃથ્વીનો છેડો ઘર અને,
આ ધબકતું ઘર ખરેખર છે હૃદય.

કોણ ધબકે છે કરી જો શોધ તું,
લાગશે સાચ્ચે જ ઈશ્વર છે હૃદય.

પ્રશ્ન છું હું રામના વનવાસનો,
ને અયોધ્યા સમ નિરુત્તર છે હૃદય.

એમની મૂર્તિ ઘડી પૂજા કરી,
જેમનું ઓ ‘હર્ષ’ પથ્થર છે હૃદય.


0 comments


Leave comment