19 - મેળવ્યું શું ગુમાન રાખીને ? / હર્ષ બ્રહ્મભટ્ટ


મેળવ્યું શું ગુમાન રાખીને ?
સાવ દંભી જુબાન રાખીને.

ખોઈ બેઠો ધરમ-કરમ તારા,
ક્યાંક બીજે જ ધ્યાન રાખીને.

ટાંકણી એક વેચવા બેઠો,
ખૂબ મોટી દુકાન રાખીને.

આભ-ધરતી કરી દીધા આઘા,
કલ્પનાની ઉડાન રાખીને.

ફૂલ જેવો કદી થયો જ નહીં,
તું જગતભરનું જ્ઞાન રાખીને.

એક પણ ઘર ન ઘર રહ્યું તારું,
જ્યાં અને ત્યાં મકાન રાખીને.

એ જ સંતોષ ‘હર્ષ’ જીવનમાં,
રોજ જીવ્યો સ્વમાન રાખીને.


0 comments


Leave comment