21 - પ્રેમમાં પ્રતિજ્ઞાઓ કૈંક સખત રાખી’તી / હર્ષ બ્રહ્મભટ્ટ


પ્રેમમાં પ્રતિજ્ઞાઓ કૈંક સખત રાખી’તી,
થાય મન સતત તોડે એય શરત રાખી’તી.

કોઈ જો જશે હારી તો બધું બગડવાનું,
એટલે જ તો ચાલુ સર્વ રમત રાખી’તી.

એકલા પડી, ભીતર ડોકિયું કરી જોયું,
કેટલી અપેક્ષાઓ મેંય સતત રાખી’તી.

એટલે સફળ દુશ્મન થઈ શક્યા અમુક મિત્રો,
યાદમાં રજેરજ કૈં ગુપ્ત વિગત રાખી’તી.

ક્યાંયથી ઘસાવાનું વ્યર્થ પરવડે કોને ?
લાગણીએ રડવાની ટેવ મફત રાખી’તી.


0 comments


Leave comment