5 - સ્વાગત / શબ્દધનુ / જયા મહેતા


    જગદીપ ઉપાધ્યાયના કાવ્યો ‘કવિતા’, ‘કવિલોક’, ‘નવનીત સમર્પણ’ ઈત્યાદિ સામયિકોમાં વાંચવા મળે છે. હવે એ ગ્રંથસ્થ થાય છે એનો આનંદ છે.

    કોઈપણ કવિની કૃતિઓ પુસ્તકરૂપે એકસાથે વાંચીએ ત્યારે એમની કલમની ક્ષમતા ને મર્યાદા બંને એક સાથે ઊપસી આવે.

    જગદીપ ઉપાધ્યાયની કલમ અનેક સ્તરે કામ કરે છે. ‘... રાધાનું ગીત’, ‘.... અ-ફૂલ કથા’, ‘.... સાંભરણ તે ક્યાં ગયાં ?’ ઇત્યાદિ અતિ દીર્ઘલયના ગીતો તેમજ દીર્ઘલયની ગઝલોમાં પણ એમની કલમ અનાયાસ વહેતાં જળની જેમ ગતિ કરે છે; તો ત્રણ-ચાર પંક્તિનાં લઘુકાવ્યોમાં પણ ચોટ સાધે છે. આ કલમ ગદ્યકાવ્યમાં પણ વિહરે છે; તો યે ગીત એમની કલમને ઘણું પ્રિય જણાય છે, તેમાં એ સવિશેષ સફળ થાય છે.
   
    ‘ક્યારેય લીધું છે ગગન બાથમાં?’, ‘નદીપટ બળે આજ એ શુષ્ક આગે’, ‘સફાળા દોડતા શ્વાસો’, ‘મનુષ્યો પર્યાય ઝાકળનાં’, ‘ગાંધીજી લાકડાં વીણવાં ગયા છે.’ જેવી પદાવલિઓ કવિની સંવેદનશીલતા અને અભિવ્યક્તિક્ષમતા બંનેની દ્યોતક છે. ‘વતનાયણ’, ‘માણસાયણ’ જેવાં શીર્ષકો પણ ધ્યાનાકર્ષક છે. મનુષ્યહૃદયનાં વિવિધ ભાવભાવનાઓ સાથે સામાજિક જાગૃત્તિ પણ ડોકિયાં કરે છે.

    કોઈપણ નવી કલમ આવે કે નવો કાવ્યસંગ્રહ આવે, ત્યારે સહૃદય ભાવકને ઉમળકો થાય. એ ઉમળકાને સાર્થક કરવાનો હોય છે; કવિએ પોતાની કવિતાથી. આ સંગ્રહથી શ્રદ્ધા જાગે છે કે જગદીપ ઉપાધ્યાય તેમાં પાર ઊતરશે.

- જયા મહેતા...


0 comments


Leave comment