23 - પ્રોઢનું ગીત / જગદીપ ઉપાધ્યાય


ઓગળતા તડકાની ઢળતી આ વેળાએ માંડુ છું જીવતરમાં મૂલ,
આખાયે દરિયાને ભાતીગળ પાંચ-સાત આંસુમાં કીધો છે ડૂલ.

શ્વાસોથી ટપકીને ઊડતાં પતંગિયાં ચાલ્યાં થૈ પીળું વેરાન,
એમ થયું: ભીતર રેતાળ તોય કો'ક ખૂણે જાગે છે ઝરણાનું ગાન,
સૂકી તે ખાખરાની ડાળી પર થાય: મન ચોડું કેસૂડાનું ફૂલ.

ચાંદરણા ચપટી કમાવાને કાજ કાંઈ વેઠ્યા છે સણસણતા તાપ,
લીલેરા છાંયડાનાં પડ જો ઉખેળો તો નીકળશે પાનખર અમાપ,
સાચવશે કોઈ હવે ફૂલોને, ટહુકોને મન નથી કરતું કબૂલ.

'અખંડ આનંદ' : જાન્યુઆરી ૧૯૯૯


0 comments


Leave comment