27 - સખીવૃંદમાંથી કૃષ્ણને નીરખતી રાધાનું ગીત / જગદીપ ઉપાધ્યાય


દૃશ્યો લેતો ચકરાવે આંખમાં કાંઈ જાગ્યો રે વંટોળ, સૈયર ઝાલો રે,
લબકઝબક અંગારા લેતી નજરું થઈ ગઈ પળમાં ટાઢીબોળ, સૈયર ઝાલો રે.

આ શ્વાસો છે કે ચબૂતરા ?!
સાગમટે ઘૂઘવે કબૂતરાં
ભરચક વરસે ટહુકાઓ ને રોમેરોમે કરતા રે અંધોળ, સૈયર ઝાલો રે.

કેસૂડા ચીતરવા અંગે
ફાગણ આવ્યો રંગે સંગે
મનની ડાળે લીલાંપીળાં પતંગિયાની ઊડે છાકમછોળ, સૈયર ઝાલો રે.

જાગ્યા લોહીમાં હરણાંઓ
નસ નસમાં દોડે ઝરણાંઓ
છાનુંછપનું પાંપણમાંથી ડોકાવાનો થઈ શકતો ના ડોળ, સૈયર ઝાલો રે.

પી ગૈ ખોબો અજવાળું સૈ
સરવાળે હું ઝળહળ થૈ ગૈ
બત્રીશ કોઠે દીવા ઝલમલ ને ઘટઘટમાં ઝાકમઝોળ, સૈયર ઝાલો રે.

નવનીત સમર્પણ : મે - ૧૯૯૯
બૃહત ગુજરાતી કાવ્ય સમૃદ્ધિ : ઓગષ્ટ – ૨૦૦૪


0 comments


Leave comment