28 - નનકો ( સોનેટ ) ... ( શાર્દૂલ વિક્રીડિત ) / જગદીપ ઉપાધ્યાય


"માંડી વાત કહું હવે નગરમાં આવ્યો જઈ તે તને
આટોપ્યો લધુએ પ્રસંગ રમણે પુત્રી તણા લગ્નનો !
રોકાયો દસબાર દિવસ, થયું આવ્યો ન ક્યારેય તે
બોલી એ બદલી ગઈ વહુ તણી ના બાળકો ઓળખે !

મટ્યો ના નનકો હજુય નનકો, છે હેત આજેય એ !
ખાતા ભાત મળી બપોર સમયે સંપી અમે જેમ બે !
હું હાંકુ હળ ચાસમાં તરત એ દોડી જતો જાંબુડે,
ખિસ્સામાં લઇ આવતો ફળ અને દેતો પહેલા મને !

કાલે તો ફરવું ફરી વતનમાં આવે ન નિદ્રા મને,
આજે તો રખડ્યો બધે નગરમાં એ શોધવા જાંબુને,
ઊઠ્યો એ મધરાતને સમય, આવી પાસ મારી અને
ઓઢાડી હળવેક ચાદર ગયો જાણી મને ઊંઘમાં.

આવી ટ્રેન ગયો મને બથ ભરી ભેટી રડ્યો ને વદ્યો,
"ઊચેરું વન વાંસનું નગર આ, જ્યાં ના ઘટા આપ શી!"

'વિશ્રામ' : મે – ૧૯૯૮


0 comments


Leave comment