29 - ફૂલની અનુભવ કથા / જગદીપ ઉપાધ્યાય


યાદ છે... હજુય તે !
જ્યારે
દ્વેષી પડોશણ જેવી હવાએ
વહાલના બહાને
ચૂંટી ખણી
પોતાની સમજણની આંખ ખોલેલી.
પોતાના નમ્ર રંગોને
દંભી ભ્રમર પ્રથમ વાર ડંખેલો
ત્યારે પોતે કેવી મૂંગી ચીસાચીસ કરી મૂકેલી !
પોતાની શબનમ ભીની લાગણીઓને
નિષ્ઠુર તડકો
કેટલી ક્રૂરતાથી પી ગયેલો !
ઝખ્મોના રિવાજ
અને કંટકોના સગપણ વચ્ચે
દુનિયાદારીનો માળો સજાવતા
એટલું તો હાંફી જવાયું છે....
કે ન પૂછો વાત....
પણ હવે... હવે બધું જ કોઠે પડી ગયું છે.
અને હાં....
હવે પોતાને પણ પાનખરના કપરા કાળમાં
તરુને લૂખું આશ્વાસન દઇને
હળવેથી સરકી જતા
ક્યાં નથી આવડી ગયું ?!!

'વિશ્રામ' : એપ્રિલ – ૧૯૯૪


0 comments


Leave comment