30 - ઊંઘનું જગત / જગદીપ ઉપાધ્યાય


ના મહેલો, ના ફુવારા, ના ફૂલો ઝરમર અજાયબ,
તોય આ આનન્દના પર્યાય જેવું ઘર અજાયબ.

ઘેનમાં જાણે ઘટોઘટ ડૂબતાં ગાત્રો સમયનાં,
ચાંદનીથી નીતર્યું આવ્યું પવનનું શર અજાયબ.

ચામડીથી રક્તને અળગું કરી કોઈ રમાડે,
ઊઠતો ઝબકી સફાળો પાંપણોમાં ડર અજાયબ.

રેશમી બિસ્તર મહીં કોઈ ગુજારે પાનખરને,
કોઈ ઊંઘે શીર્ષ નીચે ટેકવીને કર અજાયબ.

ચાંચ મારીને મ્હને સાંજે જગત જે પીંખતું'તું,
પાથરી કલરવ સવારે એ કરે હરફર અજાયબ.

'કવિલોક' : નવેમ્બર - ડિસેમ્બર – ૧૯૯૭


0 comments


Leave comment