31 - વિયોગિનીનું ગીત / જગદીપ ઉપાધ્યાય


કમખે ચીતરેલ મોર ટહુકે ને કંપે મારા કાળજામાં ઊઠે છે મૂઈ,
વારેઘડી વાયરો શીળો શીળો આવીને તનડામાં ભોંકે છે સૂઈ.

ઓલ્યા જનમની વેરી ભીંતડિયું પરદેશી વારતાયું માંડે,
ખણખણતી ચૂડીયું જાય રે ખરી એવાં દગા દીધા છે હવે કાંડે,
ડગુમગુ ઓથારે સૂકવ્યાં છે લેરિયાં લૂણવંતા આંસુડાઓ લૂઈ.

કાચી તે નીંદરા પરોઢ જાય તાણી ને પટ ખૂલે આંખ ઊંહકારે,
ચપટી મેળાપનું શમણું ખોયાનું પછી દ:ખ નાડે લવકારા મારે,
કેમ રે સીંચું નીર ઓરતાના સાહ્યબા ! પાણી વિનાની બળી કૂઈ.

'ગુજરાત' દિવાળી વિશેષાંક : ઓક્ટોબર – ૧૯૯૨


0 comments


Leave comment