35 - સંબંધ સંહિતા / જગદીપ ઉપાધ્યાય


નિત સંબંધો કેલેન્ડરનું પાનું થઈને ઊગે
સાંજે પીળું પાન બનીને ખરી ડાળથી અવની ઉપર ઊડે,
તૂટે બારે મેઘ બનીને
વિખરાતાં નભ લાગણીઓનું
ઓસરતા પાણીની વચ્ચે પરપોટો થઈ ફૂટે,
ઉમંગથી છલકાતા બાંધી રેતીનું ઘર સાગર કાંઠે
સાગર કાંઠે જાય બની એ સ્તબ્ધ અચાનક
લીરેલીરા શઢસોતું
ને અથડાતું કૂટાતું કોઈ વહાણ આવી પૂગે.
ઝરણે ખળખળ વહેવા ઘેલા સંબંધો આ
એમ બને કે રણનું કોઈ ઊંટ બનીને સુક્કી લૂ ને સૂંઘે,
ઇચ્છા સૌને સંબંધોના સુંદર ઘરની
ને ઇચ્છાના ઘોડાપૂર મહીં ઘર અંતે તણાઇ જઈને ડૂબે.
કોઈ સંબંધો આડે ઊભી કાચ તણી દીવાલો
જ્યાંથી શાપિત સ્પર્શે એકમેકને તાકે બન્ને એકમેકને આંકે
કંપે જ્યારે આતંકે ફૂલોના શ્વાસો
જાય ખરી ડાળેથી સગપણના ટહુકાઓ
ભરી વસંતે ઊઝરડાયે જીવન ગીતો
ખભે લાશ સંબંધ સ્વયંની લઈને નિર્જન જગની વચ્ચે ઘૂમે,
સંબંધોને દાટી દઉં અજ્ઞાત સ્થળે
ને થઈ સજીવન પાછા ફરતા
બેસી મારા સ્કંધે એ વૈતાળ બનીને
સંબંધો કંઈ જાય વવાતા, જાય વણાતા,
જીરણશીરણ થઈને પાછા જાય ચિરાતા
પણ સંબંધો એવા પણ જે
આંખ મળે ને છલકી આવી જાય તરત એ પાંપણ ઉપર
તરસું એવા સંબંધોને નિશદિન હું ચાતકની માફક.

( 'સંગત' : જાન્યુઆરી - ૨૦૦૮ )


0 comments


Leave comment