1.1.1 - આદિકવિ વાલ્મીકિને – ૧ / સુંદરજી બેટાઈ


અહો વલ્મીકથી ઊઠ્યા આપ ઈન્દ્રધનુષ્યશા
ચક્રવર્તી બની જાણે કાવ્યસામ્રાજ્ય સ્થાપવા !

અનુષ્ટુપલયે લ્હેર્યું આપનું વનનન્દન :
સમૃદ્ધિ સભર્યા વૃક્ષો, ભર્યાપૂર્યા લતાધન,
છન્દોવિહાર મૃગના, પક્ષીનાં કલકૂજન,
ઋષિ ને ઋષિબાલોનું ધન્યરૂપ તપોધન.
હોમવહિ વિશે નિત્ય હવિનું શુદ્ધ અર્પણ,
પલ્લાવે કવિતાવલ્લી નવસૌભાગ્યસોહન,
ગુજી રહે સદા મન્ત્રે જગનું અઘમર્ષણ.

આપ આરણ્યક-દૃષ્ટા, સ્ત્રષ્ટા રામણ્યના નવા !
બ્રહ્માની નાભિથી જાણે પ્રફુલ્લ્યા નવપદ્મશા !
પ્રફુલ્લે ચિન્મયે નેત્રે સર્વત્ર સુખસંચર્યા !

૩૦-૧૧-૧૯૭૪ – નવી દિલ્હી


0 comments


Leave comment