1.1.3 - આદિકવિ વાલ્મીકિને – ૩ / સુંદરજી બેટાઈ


સદેહા કીધ વૈદેહી આત્મશ્રી શું વિદેહની ?
ખંડિતા વા તપ:સિદ્ધિ વૈશ્વામિત્રી સુમંડની ?
માનભગ્ના પુન:સૃષ્ટા સતી વા દક્ષની સુતા ?
પૃથ્વીના વા હૃદયની સૌવર્ણી શીલપદ્મિની ?
વિશુદ્ધવહ્નિતા સાક્ષાત્ લોકવિદ્રોહદાહિની ?

વિશ્વનું અભિરામત્વ રામમાં સારવ્યું તમે,
સુભ્રાતૃત્વ સુભદ્રત્વ ભ્રાતા ભરતલક્ષ્મણે.

સર્જી રાવણને આપે વિરૂપ્યું લોકરાવણ,
સામી સીતા તમે સર્જી સત્વશુદ્ધિરસાયણ.

મૂઢતા-રૌદ્રતા-તન્દ્રા-નિદ્રાને કુંભકર્ણમાં,
સદભક્તિશક્તિને નિર્મી વિભીષણ કુમારમાં.

૩૦-૧૧-૧૯૭૪ – નવી દિલ્હી


0 comments


Leave comment