54 - હળવે હળવે શીત લહરમાં / તુષાર શુક્લ


હળવે હળવે શીત લહરમાં
ઝૂમી રહી છે ડાળો
સંગાથે સુખ શોધીએ, રચીએ
એક, હૂંફાળો માળો

એકમેકને ગમતી સળીઓ
શોધીએ આપણ સાથે
મનગમતા માળાનું સપનું
જોયું છે સંગાથે
અણગમતું જ્યાં હોય કશું ના
માળો હેત હૂંફાળો....

મનગમતી ક્ષણના ચણ ચણીએ
ના કરશું ફરિયાદ
મખમલ મખમલ પીંછા વચ્ચે
રેશમી હો સંવાદ
સપના કેરી રજાઈ ઓઢી
માણીએ સ્પર્શ સુંવાળો

મઝિયારા માળામાં રેલે
સુખની રેલમ છેલ
એકમેકના સાથમાં શોભે
વૃક્ષને વીંટી વેલ.
મનહર મદભર સુંદરતામાં
હોય આપણો ફાળો


0 comments


Leave comment