57 - મને સ્પર્શની તરસ સખી / તુષાર શુક્લ


મને સ્પર્શની તરસ સખી
ને તને સ્પર્શની તરસ
એક એટલું કહેવું બાકી
ચાલ, હવે તું વરસ

હથેલીમાં આકાશ લઈને
કેટ કેટલું તરસ્યા ?
કદીક ખોટા સરનામાની
અગાશી પર પણ વરસ્યા
ભીનપનો હિસાબ ન પૂછીએ
કોઈ દી’ અરસ પરસ

હાલક ડોલક હોવું
ઊછળે નસનસમાં તોફાન
ખુલ્લાં મૂક્યા સઢ
ને સોંપ્યા સમીરને સૂકાન
નાવને ભૂલી જાવ
એક જો દરિયો હોય સરસ


0 comments


Leave comment