59 - ઓ મારા મન ઉપવનના માળી / તુષાર શુક્લ


ઓ મારા મન ઉપવનના માળી
હું તો લજામણીની ડાળી

મહિયરમાં મસ્તીમાં ઝૂમી
મન ફાવ્યું મરજીથી ઘૂમી
વગર ઓઢણે શેરી પાદર
પવન પજવતો ચૂમી ચૂમી
આજ હવે અણજાણ્યે આંગણ
પ્રીત બની ગઈ પાળી

મહિયરની માટીમાં મ્હોરી
શ્રાવણ ભીંજી, ફાગણ ફોરી
કૈંક ટહૂકતાં સ્મરણો ભીતર
ચૂનરી છો ને કોરી મોરી
સપનાં જેવી જિંદગી, જાતે
ગાળી અને ઓગાળી

એક ક્યારેથી બીજે ક્યારે
રોપાવું ને ઊગવું મારે
મહિયરની માટી સંગાથે
આવી છું હું આંગણ તારે
સ્નેહથી લે સંભાળી, સાજન
વ્હાલથી લે જે વાળી..


0 comments


Leave comment