60 - મેં તો પાનેતર પહેર્યું છે પ્રીતનું / તુષાર શુક્લ


મેં તો પાનેતર પહેર્યું છે પ્રીતનું
અબીલ અંતરમાં ઊડે અતીતનું

વીતેલા દિવસો કૈં પંખી નથી કે રોજ
આંગણમાં ચણવાને આવે
સ્મરણોનો ધૂપ ધીમો ધીમો બળે
ને મારા મનના મંદિરને મ્હેકાવે
જીવ્યું ને જાણ્યું જે મહિયરમાં માણ્યું
મને વળગણ એ મનગમતા ગીતનું

સ્મરણોના દીવાના અજવાળા, કાલ
ભલે થઈ જાતા આછા પડછાયા
સોનાનું હોય ભલે સાસરિયું તોય
મારા સહિયરની જાય નહીં માયા
હૈયાની ઝગમગતી દીપે હવેલી
એને અંધારું શોભે પછીતનું

વણબોલ્યા બોલ મારા સમજી લિયે કે
મારો સાંવરિયો હોય એવો સમજુ
પગલાંની ઠેસ મારી પારખી જતો’તો
મારા મહિયરનો ઢોલીડો રમજૂ
વીત્યાને ભૂલવા કે ભૂંસવાને બદલે
રૂપ જાણી લ્યો મ્હોરવાની રીતનું


0 comments


Leave comment