61 - હું અને તું નામના કાંઠાને તોડી / તુષાર શુક્લ


હું અને તું નામના કાંઠાને તોડી
જળ વહ્યાં – તે આપણે
શ્વાસ શ્વાસે, એકબીજામાં, થઈ સૌરભ વહ્યાં
તે આપણે....

આંખને ઉંબર અતિથિ, અશ્રુ ને સપનાં, સખી રિ
રસ સભર જીવતને ખાતર, બેઉ છે ખપનાં, સખી રિ
ઝરમર અને ઝલમલ, કદી, બંને રહ્યા સંગાથમાં
તે આપણે....

આપણા હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ, વ્હાલમ
ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ, વ્હાલમ
‘હું તને ચાહું છું’ એ શબ્દો કહ્યા સંગાથમાં
તે આપણે.....

રંગ ને પીંછી તણો સંવાદ આપણ બેઉ, સજની
સૂર ગૂથ્યાં શબ્દનો અનુવાદ આપણ બેઉ, સજની

મેં ગુલાલે ગેરુઓનો સાંભળ્યો છે સાદ, સજના
ભેદ ભૂલી ભીંજવે છે વ્હાલનો વરસાદ સજના
જિંદગીના બેઉ રંગોને ઉમંગોને ચાહ્યા સંગાથમાં
તે આપણે....


0 comments


Leave comment