62 - ટહુકે ટહુકે ઓગળવું એ પ્રેમ / તુષાર શુક્લ


ટહુકે ટહુકે ઓગળવું એ પ્રેમ – સખી ડે તાળી
આ વધઘટ મનના વ્હેમ – પ્રિયે લે તાળી

અધમધ રાતે ઊડી જતાં એ સપનાં કેરાં સમ
આંખોનાં આકાશમાં હોયે કાંક તો નીતિ નિયમ

પરવાળાનાં ટાપૂ જેવી નીંદર ને ના લડીએ
પાંપણ પાળે પ્રીત વસે છે એને જઈને કહીએ

હોવું આખું મ્હેક મ્હેક એ પ્રેમ – સખી, ડે તાળી
આ વધઘટ મનના વહેમ,પ્રિયે, લે તાળી.

આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીના જળ,
અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળ તું પળ પળ

નકશાની નદીઓને માથે ચીતરાયાનો શાપ
અધક્ષણ ઉપરવાસમાં, મુઠ્ઠી ચોમાસા શું આપ

સૂર્યમુખીના સંબંધોની પરવશતા, ના પ્રેમ – પ્રિયે, લે તાળી...


0 comments


Leave comment