63 - ટહુકે ટહુકે ઓગળવું એ પ્રેમ : સખી, દે તાળી / તુષાર શુક્લ


ટહુકે ટહુકે ઓળગવું એ પ્રેમ : સખી, દે તાળી
આ વધઘટ મનના વ્હેમ : પ્રિયે, લે તાળી....

છાનું છપનું કેટલું મળતાં, ઓળખે આખો બાગ
ફૂલ કહે ભમરાને, આ તો બંને બાજુ આગ
યાદ આવે છે એ દિવસો કે તને કરાવું યાદ ?
સાવ અડોઅડ બેસી કરતાં શબ્દ વિના સંવાદ
જીવશું જોડે જન્માક્ષરની જેમ, પ્રિયે, લે તાળી
આ વધઘટ મનના વ્હેમ, સખી, દે તાળી....

સપનામાં તું આવતો ત્યારે લાગતું મીઠું મીઠું
આંખ ખૂલેને તોય ના સપનું આંખથી થાય અદીઠું
એ જ બાગ છે, એ જ બાંકડો, સઘળું જ્યાનું ત્યાં
ખુલ્લી આંખો સપના નીરખે, એવી ઉંમર ક્યાં ?
માણ્યું તેનું સ્મરણ કરો સપ્રેમ, સખી, દે તાળી
આ વધઘટ મનના વ્હેમ, પ્રિયે, લે તાળી....

કદીક લાગે, નથી ચાહતો તું પણ પહેલાં જેવું
કદીક થાતું, નથી થતું મન, મને ય મળવા જેવું
ચાલ, શોધીએ સંગાથે મળી આપણે એનું કારણ
એવો કોઈ પ્રશ્ન નથી કે ના હોય જેનું નિવારણ
પ્રેમ હોય ત્યાં શાનાં ‘કારણ’, ‘કેમ?’ સખી, દે તાળી....
આ વધઘટ મનના વ્હેમ – પ્રિયે, લે તાળી...


0 comments


Leave comment