64 - એક X એક થતાં બેઉનાં હૈયામાં / તુષાર શુક્લ


એક X એક થતાં બેઉના હૈયામાં
રણકી ઊઠે છે સ્નેહ ઝાંઝરી
એક + એક જ્યારે બે જેવું થાય ત્યારે
કોળિયામાં આવી જાય કાંકરી

ઓરાં આવીને બેઉ ઓગળતાં જાય
એના પડછાયા હોય નહીં જૂદા
દરિયામાં ભેદ બધાં ઓગળી એ જાય
કોણ નૌકા ને કોણ છે નાખૂદા !
એક -:- એક થતાં એવું કૈં થાય
જાણે વીંધ રે વિનાની કોઈ વાંસળી

ગણી ગણી જીવવું, કે જીવીને ગણવું
એને જીવતર કહેવાય કે ગણિત ?
શ્વાસના હિસાબ અને ધબકારા માફ
એ જીવવાની ખોટી છે રીત.

એક – એક થતાં પાછાં બે થાય
ત્યારે વેદનાની વેલી રહે પાંગરી.


0 comments


Leave comment