6 - આઈ.એસ.આઈ. નો હાથ / પોલિટેકનિક / મહેન્દ્રસિંહ પરમાર....


    આવા સમાચારને ફેલાઈ જતાં વાર ન લાગે. ચોરે ને ચૌટે, જેટલી જીભ એટલી વાત :- ‘માળું. આપણાં ગામમાં ય હવે કોટક થાવા મંડ્યા !’
  ‘અયોધ્યાયમાં થાય, અક્ષરધામમાં થાય. પણ આપડા ગામમાં ય તે?’
  ‘ના, ના, આપડું ગામ પાછું બવ સોનાનું ! યાદ કરો ગોધરા વખતે શું થ્યું’તું આપડા સોનાના ગામમાં !’
  - આ એમાંથી જ કો’ક બદલો લેવાવાળું લાગે છે.
  - ‘હું તો કઉં છું આઈ.એસ.આઈ. વાળાનો હાથ નીકળવાનો જોજો...’
  - ‘એલા ડફોળ, ઠેઠ ન્યાં ક્યાં પોગ્યો ? તને શું ખબર પડે ? ચૂંટણી આવે છે તે કંઈક મોરલાવ અંદરખાને કળા કરતા હોય ! એમાં આઈ.એસ.આઈ.ની ક્યાં કર છ ?’
  - ‘ઈ તો ક્યો કે વાડીમાં કોઈ હતું નંઈ. પૂજારીને સંકા ગઈને તાત્કાલિક ફોન કર્યો પોલિસને. ન કરે નારાયણ ને સાંજે ફૂટ્યો હોત....’
  ‘અરે રામ ! શું કળજગ બેઠો છ ! મારા હાળા હવે મંદિરને ય નથી મૂકતા !’
    ... વાતોના વંટોળમાં ગામ મનફાવે તેમ ઝૂલતું, જાતભાતની વાત ઉપજાતું હતું. ‘આઈ.એસ.આઈ.’ થી માંડીને મુખ્યમંત્રીના હાથની ચર્ચા વચ્ચે લાલ લાઈટોવાળી ગાડીઓની દોડધામ મચી ગઈ. લોકલ-નેશનલ ન્યૂઝ ચૅનલોમાં સવાર-બપોર-સાંજની રસોઈના આંધણ મુકાઈ ગયાં. આઘેથી ને ઓરેથી, પડખેથી ને પાછળથી, ઉપરથી ને નીચેથી–લૉન્ગ–મીડ-ક્લોઝ શૉટમાં, હજુ તો બનવાનું શરૂ જ થયું છે તે મંદિર, ખડકાયેલા લાલ પથ્થરો, શિલ્પીઓએ અરધી કોરેલી મૂર્તિઓ, સંકુલમાં ચાલતી ભોજનશાળા, ગૌશાળા, પ્રિન્ટિંગ પ્રેસ, સંગીતશાળા આદિનાં દૃશ્યો અને એની સાથે જોડાયેલાં લોકોની મુલાકાતો વચ્ચે સઘન તપાસ માટે નીકળેલા ડૉગસ્કવોડનાં કૂતરાઓના ભસવાના અવાજો પીરસાવા લાગ્યા. ખાવાનું ભૂલીને લોકો અકરાંતિયાની માફક સમાચાર પર તૂટી પડ્યા.

    વાત જ બીજી ભાતની હતી. બુઢિયાઓ અને પેન્શનરોનું ગામ ગણાતું તેમાં આવું આવું બધું ચાલું પડી ગયું એનું સહુને ખુબ આશ્ચર્ય હતું. ‘નક્કી આપણા ગામને કોઈની નજર લાગી છે.’ ગુનેગારોને પાતાળમાંથીયે શોધી કાઢી જાહેરમાં ફાંસી આપવા સુધીની ચર્ચાઓ ઘુમરાઈ રહી હતી. સરકારને પણ આ ઘટનામાં આઈ.એસ.આઈ.નો હાથ હોવાની પૂરી સંભાવના દેખાતી હતી. તાત્કાલિક તપાસ સોંપાઈ ગઈ એસ.પી. ને. બે દિવસમાં જ ભડાકેદારોને પકડી પાડવાના આત્મવિશ્વાસ સાથે એસ.પી.સિંગે મીડિયાવાળાઓને વધુ કંઈ કહેવાનો ઇનકાર કર્યો.

    ૨૪ કલાકમાં એસ.પી.સિંગે આરોપીઓને ઝડપી લીધા. ગામમાં એસ.પી. નાં નામનો ડંકો.
  - ‘હું નો’તો કે’તો એસ.પી. હોય ન્યાં ફડાકો જ હોય !’
  ‘અરે ભાઈ, સિધાનવાદીનું પૂછડું છે. ગામે ગામના પાણી પીને હવે આંયા કંઈકની પત્તર ખાંડે છે.’
  ‘આ બોમ જ્યાંથી પકડાણો ઈ વાડીવાળા હારે. રથયાત્રાવાળાવ હાર્યે ને નવરાત્રિ વખતે ઓર્ગેનાઈઝરો હાર્યે ઓછી બાખડી નથી બાંધી એસ.પી. એ, હવે જુઓ શું થાય છે ઈ !’

  - એસ.પી. એ આરોપીનાં નામ જાહેર કર્યા ત્યારે ફૂટ્યા વગર રહી ગયેલો બૉમ્બ જાણે ફૂટ્યો. આઈ.એસ.આઈ. ને અલકાયદા સુધી પહોંચેલી પ્રજા દંગ રહી ગઈ. : (આઈ.) ઈશ્વર ડાભી : ઉં.વ.૪૦, ધંધો ભંગારીનો, રે’વાસી કરચલિયાપરા; (એસ.) શરદ જોષી : ઉં.વ. ૨૨, ધંધો કેટરિંગ-પેઈંગગેસ્ટનો, રે’વાસી મહાલક્ષ્મીનગર. (આઈ.) ઇન્દ્રજિત ધોળકિયા : ઉં.વ. ૫૨, ધંધો પ્રોફેસર. રે’વાસી શાંતિનગર. આઈ.એસ.આઈ.નો હાથ સાચો, પણ માળો સાવ સ્થાનિક !
    એસ.પી. એ રિમાંડ માંગ્યા ને તરત મળી ગયા. ખાખી વરદીવાળાને લાગણી ને સહાનુભૂતિ ને એવું બધું હોય નહીં. પણ એસ.પી.ને આ ત્રણે જણામાં કાંઈક ખાસ રસ હોય તેવું એમની આંખો પરથી જણાતું હતું. ભલભલાની ફેંકડી ફેં કરી નાખનાર એસ.પી. એ કાળિયા-જાડિયા-મારવાની મજા આવે એવા-ઈશ્વર ડાભીને પહેલો પસંદ કર્યો.

    માથે પીળી લાઈટ પડતી હોય, ડાભીને ભૂખ્યો તરસ્યો રાખ્યો હોય, મીઠાવાળું પાણી એના માથે-મોંએ છંટાતું હોય, બરફની પાટ ઉપર ઉઘાડો સૂવરાવ્યો હોય....

    રિમાન્ડરૂમની તમે કલ્પના કરો છો એવું કશું નહીં ! બસ એસ.પી.ની ખપજોગી પૂછપરછ ! એસ.પી. એ ‘પૂછપરછ’ માટે ઈશ્વર ડાભીને હાથમાં લીધો ત્યારે ગામલોક કરતાં એમને પોતાને જ ખપજોગી વાત જાણવાનો વધુ રસ હતો. બે બદામનો ભંગારી વાડીમાં બૉમ્બ ફોડે ? વાડીમાં? એસ.પી. ના મનમાં અજાણપણે ડાભી સાથે પોતાની સરખામણી ચાલતી રહી.

    ‘હું કાંય જાણતો નથ’ એવો એકનો એક જવાબ આપ્યા કરતા ડાભીની એમણે સારી પેઠે ‘પૂછપરછ’ કરી ત્યારે માંડ ડાભીએ મોં ખોલ્યું : કરચલિયાપરામાં ડાભીનો દારૂનો ધંધો. એસ.પી. આવ્યા ને બધું બંધ થયું. અલંગમાંથી સ્ક્રેપ લાવી વેચવાનો ધંધો કર્યો. મંદી અલંગને ભરખી ગઈ. પછી પસ્તી અને ભંગાર ઉઘરાવવા ગલીએ ગલીએ ફરવાનું શરૂ કર્યું. વાડીએ મંદિર બનાવવા માટે સેવા લખાવવાનું આદર્યું. એમાં સહુને આજ્ઞા થઈ. તમારા ઘરનાં જૂનાં છાપાં-પસ્તી મંદિરે આપો. ગામ આખાનાં પસ્તી ને ભંગાર વાડીમાં. પસ્તી આપનારને વળતરમાં પુણ્ય જ મળે. ડાભી ને એના જેવા ભંગારીઓ નવરા થઈ ગયા. જ્યાં જાય ત્યાંથી ખાલી હાથે પાછા ફરવું પડે; ‘વાડીમાં પસ્તી આપીએ છીએ.’ રખડતો ડાભી વાડીએ જઈ ચડે તો પસ્તીના ટનબંધ ઢગલા ફાટી આંખે જોઈ રહે. મંદિરમાં પસ્તી-ભંગારનું શું કરવાનું, એને સમજાય નહીં. સૂકામેવાના હિંડોળામાં ઝૂલતા લાલાને ગાળો દેતો જાય, દર્શન કરતો જાય, ભેગાં પસ્તીનાં વાઘાં ય પહેરાવી આવે : ‘પે’રાવો પસ્તીના લૂગડાં લાલાને.’ એની જાડી બુદ્ધિમાં એક જ વાત ઠસી ગઈ : ‘વાડીએ ધંધા વિનાનો કરી દીધો.’

    એસ.પી. ના ઘુસ્તાએ ડાભીના પેટમાંથી આટલી વાત લોહીની સાથે ઑકાવી.
  - ‘બૉમ્બ કોણે બનાવ્યો ? તારા હાથમાં કેવી રીતે આવ્યો ?’
  ‘ઈને બૉમ્બ કે’વાય ઈયે મને નો’તી ખબર. મેં નથી બનાવ્યો, સાહેબ. પસ્તી લેવા મહાલક્ષ્મીનગર જાતો ન્યાં શરદભાઈને ઘેરે ગ્યો. વાતવાતમાં વાડીને ગાળ્યું દેતો’તો તે એમણે જ મને આમાં ભેળવ્યો. મને ક્યે, બધાંના ધંધા તોડનારને એકવાર તો ધંધે લગાડી જ દઈએ ! મારા હાળા શરદાએ મને ધંધે લગાડી દીધો.’
    એસ.પી. માટે કૂટપ્રશ્નનો પહેલો જવાબ જ વિચિત્ર હતો. કંઈક અવઢવમાં શરદ સામે તાકી રહ્યો. શરદ કરતાં પાંચેક વર્ષ મોટો હશે અનિકેત. એસ.પી. નો એકનો એક હોનહાર દીકરો. એન્જીનિયરિંગમાં માસ્ટર્સ અધૂરું છોડીને મહાત્માઓનો ભોળવ્યો અમેરિકામાં બનતાં મંદિરનું કામકાજ સંભાળવા, પપ્પાની ‘ના’ ઉપરવટ ચાલ્યો ગયો. ભવ્ય મંદિર બની ગયા પછી ત્યાં અનિકેત માટે કોઈ સેવા હતી નહીં. સમજાવી-પટાવીને પાછો મોકલ્યો. પરદેશ સૅટલ થવા ઈચ્છતા અનિકેત માટે પછી બધું મુશ્કેલ થઈ ગયું. નોકરી માટે વલખાં મારતા દીકરાને કશી મદદ નહીં કરી શકનાર સિદ્ધાંતનિષ્ઠ બાપની પીડા આ ક્ષણે શરદ જેવા જુવાનને જોતાં પાછી સળવળી. સાથી પી.એસ.આઈ. એ એસ.પી.ના ચહેરા પરથી સરી જતાં એ દૃશ્યો તોડ્યાં.... ‘સર, પાણી ?’

    .... પાણીનો ગ્લાસ ગટગટાવી દૂબળા અને પીળા પડી ગયેલા શરદ તરફ એસ.પી. એ એક નજર કરી, ઘઉંની ગુણમાં સૂયો ભરાવો ને ઘઉંની ધાર થાય એમ ભુદેવ ફરફરફર્.....
  ‘સાહેબ, બામણના ખોળિયે જન્મ્યો છું. મંદિરમાં બૉમ્બ મૂકવાનું સપને ય વિચારું ? પણ સાહેબ, કબૂલ કરું છું. હું યે હતો ભેગો. બૉમ્બ તો ફૂટ્યો નહીં, સાહેબ, બૉમ્બ ફૂટતા કોઈ મરે તે પહેલા મારા બાપાને આ વાડીના બૉમ્બે મારી નાંખ્યા.’
  ‘સીધું સીધું બોલ ! વાડીનો બૉમ્બ શેનો ?’

  ‘કહું સાહેબ, બાપા ને મા બેય જણ પેટે પાટા બાંધીને, ગુજરાન ચલાવે. બેયને મારી ઉપર મોટી આશા. શરદ અમારો ભણીગણીને નોકરીએ લાગે પછી બેડો પાર.’ સરકારી નોકરિયાતો, બહારથી આવતાં વિદ્યાર્થીઓને જમાડીને ગુજરાન ચલાવીને સાહેબ. મા રાંધે, બાપા પીરસે. મને બેય જણા ભણવાનો આગ્રહ કરીને કામથી આઘો રાખે. સાહેબ, મારી બાના હાથની રસોઈ તમે એકવાર જમો એટલે !’
  ‘ચાલ. ચાલ, મૂળ વાત કર !’

  ‘સાહેબ, મંદિર હોય ત્યાં રસોડું તો હોય જ ! વાડીમાં ય શરૂ થયું. સવારે નાસ્તો, બે ટંક જમવાના મહિને છસો રૂપિયા. છસો રૂપિયામાં કેમ પોસાતું હશે સાહેબ ? પણ મંદિર બાંધવામાં ટેકો રહે માટે આ શરૂ થયું. ધરમના ખોળે ખાવાનું મો’ળું હોય સાહેબ ! અમારે રોજના ચાળીસ જમવા આવતાં તે ચાર પણ ન રહ્યા. મા-બાપા મનમાં ને મનમાં મૂંઝાય. ‘છોકરાને હેરાન ક્યાં કરવો’ – કરીને મારાથી બધું છાનું રાખે. ફાઈનલ યરની પરીક્ષા, સર. પંદર દિવસની વાર હતી ને ટૅન્શનમાં ને ટૅન્શનમાં બાપા....
    - શરદથી આગળ ન બોલાયું. એસ.પી. એ પાણીનો ગ્લાસ ધરીને સહાનુભૂતિ સાથે એના ખભે હાથ મૂક્યો.’ .... હાથ ઘસતો બેસું. બા મૂંઝાય. શું કરવું... કાંઈ સૂઝે નહીં વાડી ઉપર દાઝ વધતી જાય...’
  ‘બરાબર. પણ આ પ્રકરણમાં કેવી રીતે ?’
  ‘પ્રોફેસર ધોળકિયા. હું એમનો ટી.વાય. કેમેસ્ટ્રીનો વિદ્યાર્થી. એમને મારી બધી ખબર પડી ને...’
    એકધારી ઉધરશે શરદને વધુ પૂછપરછમાંથી બચાવી લીધો.... બેય આરોપીની વાતમાંથી પ્રોફેસર ધોળકિયા તરફ જ કેસની ગતિ હતી. ઈસ.પી. એ પ્રોફેસર ધોળકિયાને ધાર્યા બહારની ટ્રીટમેન્ટ આપી.
‘લો પ્રોફેસર, કૉફી લગાવો. પછી વાત કરો : છોકરા ભણાવવાનું મૂકીને આ ધંધે ક્યાંથી વળ્યા ?’
    કૉફીની ચૂસકી લેતાં પ્રોફેસરે શરૂ કર્યું :
 ‘સર, હિંસાનો ખ્યાલ મનમાં નહોતો. જો એવું જ હોત તો રવિવારે હજ્જારો માણસો બેઠા હોય ત્યારનો સમય પસંદ કરત. બહુ મૂંઝારા પછી નાછૂટકે આ રસ્તે વળવું પડ્યું. કૉલેજમાં કેમિસ્ટ્રી ભણાવું છું. પણ આ નવી કેમિસ્ટ્રી જે આકાર લઈ રહી છે, સર, એણે મારી ઊંઘ હરામ કરી દીધી. ન રહેવાયું મારાથી.’
    એસ.પી. એ સિગારેટ સળગાવતાં પૂછ્યું, ‘તમને ખબર છે અમે આ કેવી ગંભીર વસ્તુ પકડી છે ?’ એવું તે શું હતું કે ન રહેવાયું પ્રોફેસર ?’
   ‘રાઈટ, સર. આખી વાતને હું ગંભીર વસ્તુ સમજું છું. આ બંનેને તો તમે સાંભળ્યાં. જે ઝડપથી આ લોકો ધર્મના ઓઠા તળે આખી ઈકોનોમી બદલી રહ્યા છે, તેનો તમને અંદાજ નથી.’
   ‘છે મને એનો અંદાજ, પ્રોફેસર. એની વે, ચાલો આપણે ઘટનાસ્થળ જવું પડશે... ત્યાં વધુ વાત કરો.’
    ચારેની સવારી વાડીએ પહોંચી. દર્શન કરવા જવું હોય તો મંદિરના મોટા ચોગાનમાં થઈ જવું પડે. આયુર્વેદની સંપ્રદાયનિર્મિત દવાઓ. નવા કાયદાના વાવાઝોડામાં ચપોચપ વેચાતી આઈ.એસ.આઈ.ના માર્કાવાળી હેલ્મેટો મેળવવા દર્શનાર્થીઓની ભીડ જોઇને પ્રોફેસરથી બળાપો ઠલવાઈ ગયો :
  ‘ – જુઓ ! આ દવાનો ધંધો, જમીનનો ધંધો, જમાડવાનો ધંધો, હેલ્મેટ વેચવાનો ધંધો, શિક્ષણનો ધંધો, ધર્મના ધંધા ઉપરાંત સર, બીજી બધી વસ્તુ પણ એમના જડબામાં ઓરાઈ રહી છે. ખાઈ જશે સાહેબ, આખ્ખે આખ્ખા ચાવી જશે આ લોકો આપણને. ડાભી ને શરદ જેવા કેટલાંય લોકો રાખડી પડ્યાં છે સાહેબ... ! આખો દિવસ મંદિરના પથરાને આ શિલ્પીઓ ઠોલતા હોય, આ ભંગાર-પસ્તીના ઢગલા, મંદિર બાંધવા માટે ઊંચી ક્રેઈન, વેચવા માટેની દવાઓના ઢગલા, જમવા આવનારાઓની આ ચહલ-પહલ... શીપબ્રેકિંગ યાર્ડમાં ભૂલા પડ્યા હોઈએ એવું નથી લાગતું સાહેબ ? તમને કલ્પના આવે કે આ જ સ્થળે સાંજે સત્સંગ ચાલતો હોય ? આઈ કાન્ટ ટોલરેટ, આ નવા વર્લ્ડ ટ્રેડ સેન્ટરો નથી સહન થતાં, સાહેબ. અમેરિકાના આક્રમણની વાતો કરીએ છીએ પણ એ તો હજી દૂરની વાત. અમેરિકાને આંટી મારે એવું આ સવાઈ અમેરિકી સામ્રાજ્ય છે. તમારી બદલી અહીં કેમ થઈ છે અને તમે અહીં કામ કરવામાં કોને લીધે તકલીફ અનુભવો છો તે હું જાણું છું, સાહેબ. તમારા દીકરાની કથાય હું જાણું છું. હું તો તમને ઑફર કરવાનો હતો આ પ્લાન !’
    એસ.પી. એ નિ:શ્વાસ મૂક્યો. ‘પ્રોફેસર, તમે મારી વાત આમાં વચ્ચે નહીં લાવો. આવાં નાનાં કારણસર તમારા જેવો બુદ્ધિમાન માણસ સાવ આ કક્ષાએ જાય ? અણબીલિવેબલ !’
  ‘સર, વાત માત્ર આટલી જ નથી. આ મંદિર જે જગ્યાએ બની રહ્યું છે અને આખું સંકુલ જે જમીન પર ઊભું છે તે મારી યુનિવર્સિટીની જમીન છે, સર. નેક નામદાર મહારાજાએ શિક્ષણનાં ઉમદા હેતુ માટે દીર્ઘદૃષ્ટિપૂર્વક એને ફાજલ રાખેલી. તમે એ વખતે અહીં નહોતા એટલે શું જાણો ?

   આખી યુનિવર્સિટીની માન્યતા જમીનના અભાવે યુ.જી.સી. રદ કરવાની હતી. બસો એકર જમીન જોઈએ નિયમ મુજબ. મહારાજાએ જેમને ભાડા પેટે જમીન આપેલી એમની પાસેથી આ લોકોએ કરોડો રૂપિયામાં ખરીદી લીધી. સોનાની લગાડી જેવી આ જમીન, સાહેબ.... ! શરૂઆતમાં હિતરક્ષાસમિતિએ જમીન બચાવવા ઠીકઠીક હીલચાલ કરી. યુનિવર્સિટીના ને નગરના ‘જાગૃત’ નાગરિકોએ ઘડીક વિરોધ કર્યો. પૂતળાં બાળ્યાં. પણ એક-બે હિતરક્ષકોનાં હિત આ લોકોએ જાળવી લીધાં ને બધું પડી ભાંગ્યું. ઉઘાડા પગે ફરનારાઓને આજે સેન્ટ્રોકારમાં આ જ મંદિરે દર્શન કરવા જતાં જોઉં છું. શરૂમાં પૈડાં ઉપર મંદિર બનાવેલું. ગમે ત્યારે ફેરવી શકાય. હવે બધું જડબેસલાક. આરસનું આલિશાન મંદિર ઊભું થશે. ભલભલા લોકોની ગાડીઓને પૂંછડા ઝૂલાવતી લાઈનસર પાર્ક કરેલ જોઈ, સર. બહુ અફસોસ થાય છે. ધરમ જે રીતે બધું ધારણ કરતો જાય છે, સર... સમજો છો રસ, મને ?'

  ‘યસ આઈ કેન પ્રોફેસર, પણ બૉમ્બ બનાવવાનું કેવી રીતે સૂઝ્યું ? તમે મને માંડીને વાત કરો તો કદાચ હું તમને મદદ કરું.’
   એચ.પી.ની પાર વિનાની બદલીઓ, દીકરો અનિકેત, ને મન મારીને કરવાં પડેલા પ.પૂ.ધ.ધૂ.ઓનાં કામ એમનાં મગજમાં ફૂદરડી ફરતા હતાં.
- ‘TNT’ સર, ટ્રાઈનાઈટ્રો ટોલ્યુઈનના કૉમ્પોઝિશન. આમ કૉમન ઍક્સપ્લોઝિવ ગણાય. લૅબોરેટરીમાં એ વર્જિત હોય પણ મને એ બનાવવામાં તકલીફ ન પડે. મારે તો ચેતવવા હતાં લોકોને. આવડા મોટા વર્ગને હું ભાષણ આપીને કઈ રીતે સમજાવી શકું મારી વાત ? એટલે આ રસ્તો લીધો. શરદ હાથવગો હતો. થોડા ઍક્સપરીમેન્ટ્સ પછી આ ફૉર્મ્યુલાને અમલમાં મૂકી. ડાભી ડફોળ પૂરવાર થયો ને આખી વાત આમ નક્કામી બની.’
    આટલીવારમાં તો મંદિરના સેવકોની ભીડ ઊભરાઈ ગઈ, આંખો ફાડીને આ લોકો વિશે ચિત્રવિચિત્ર વાતો કરતી હતી. ‘ક્યાંક આ ટોળું ત્રણેને મારવા ન લે’ એ ખ્યાલે એસ.પી.એ બીજો વિકલ્પ વિચાર્યો : ‘અચ્છા પ્રોફેસર, તમારી લૅબમાં લઈ જાઓ. આખી થિયરી પ્રૅક્ટિકલી મને બતાવો.’

    એસ.પી.ની ગાડીમાં પ્રોફેસર ધોળકિયા ને શરદ. લૅબોરેટરીમાં પ્રોફેસર કાગળ પર ડિઝાઈન દોરીને એક પછી એક ક્રમમાં એસ.પી. ને આખી પ્રક્રિયા સમજાવી. એસ.પી. ગજબ પ્રકારની ઉત્કંઠાથી બધુ સમજતા હતા. ટ્રેઈનિંગ દરમિયાન એમને પણ ઍક્સપ્લોઝિવ્સની કૅમિસ્ટ્રી ભણાવવામાં આવેલી પણ એ બધું સિદ્ધાંતનિષ્ઠ રહેવાની સજારૂપે મળેલા રઝળપાટમાં ભુલાઈ ગયેલું.
  ‘થેન્કયુ પ્રોફેસર, ફૉર યોર કૉઓપરેશન.’
  ‘સાહેબ, મારી બા એકલી છે. સાહેબ એમને જલદી છોડી મૂકે એવું કરજો, સાહેબ, પ્લીઝ !’ શરદે આજીજી કરી.
  ‘બેટા, હું આમાં કશું ન કરી શકું, મારે તો રિપોર્ટ સબમીટ કરવાનો. બાકી કોર્ટ અને વાડીના સંચાલકો જે ઈચ્છે તે થાય.’
    આ તરફ, વાડીમાં શાંતિપ્રાર્થના થઈ, સંયમથી વર્તવા સહુને શીખ મળી. પુરાવા મજબૂત હતા ને ત્રણે જણાંને સજા થવાના બધા સંજોગો એસ.પી.ને દેખાતા હતા. ગામની જેમ એમને પણ મુદતની તારીખની રાહ હતી. રાબેતા મુજબ મુદતો પડતી રહી. વાડીના મહાત્માઓએ બહુ ધીરજપૂર્વક આખી વાત જોયા કરી. લાંબી મુદત વચ્ચેની એક મધરાતે મહાત્માઓની ભડાકેદારો સાથે લાંબી મુલાકાત યોજાઈ. બીજે દિવસે વાડીનું જાહેર નિવેદન :
‘જે કંઈ બન્યું તે બરાબર નથી થયું પણ આપણો ધર્મ કોઈને સજા કરવાનું નથી કહેતો. ત્રણેય આરોપીઓ એમના કાર્ય વિશે પ્રશ્ચાતાપ અનુભવી રહ્યા છે ત્યારે એમને માફ કરી દેવા એ જ સર્વનું કલ્યાણ છે. આ નિવેદનથી વાડી આ ઘટના પૂરી થયેલી જાહેર કરે છે.’

    વાડીના નિવેદને ભારે પ્રભાવ પાથર્યો આખા ગામમાં. નવા ભક્તોની સંખ્યામાં રાતોરાત હજાર-બારસો ઉમેરાઈ ગયાં. ‘જોયું ભાઈ, ધરમ ઈ ધરમ ! ઈ કાંઈ કોઈને મારે નહીં, તારે !’

    ... પરમહિતકારી વાણીનો પ્રભાવ આટલો શક્તિશાળી હશે એની ખબર ત્રીજા દિવસે પડી. વાડીમાં, પ્રાથમિકશાળાથી પી.જી. સુધી ધમધોકાર ચાલતા શિક્ષણસંકુલના ડાયરેક્ટરની રિવૉલ્વિંગચૅરમાં પ્રોફેસર ધોળકિયા, સવારના સમયે કોઠાર વિભાગના મેનેજર તરીકે ડાભી અને ભોજનશાળાના પ્રબંધક તરીકે શરદને જોઈને લોકો અચંબિત રહી ગયાં, ત્રણેયના હૃદયપરિવર્તનની આ ઘટનાને પણ ભક્તજનોએ ભાવવિભોર બનીને વધાવી લીધી.

    એસ.પી. માટે આ હૃદયપરિવર્તન આઘાતજનક બની ગયું. સાવ માટીપગા નીકળ્યા, સાલા ! રવિવારે સાંજે ત્રણેય ભક્તો સભાજનોને પોતાના જીવનની કહાણી કહીને તરબોળ કરી રહ્યા હતા ત્યારે, સાવ અચાનક, કશાય કારણ દર્શાવ્યા વિના રાજીનામું આપીને કોઈ અજ્ઞાત સ્થળે જતા રહેલા એસ.પી.નાં સગડ મેળવવા ઈ.ટીવી. ને ઝી.ટીવી.ની ટીમના એકધારા પ્રયત્નો વચ્ચે લોકની જીભને જલસો જડ્યો :
  ‘એસ.પી. ને હરિરસ ખારો થઈ ગયો.’
  ‘દીકરાનું જીવતર રોળી નાખનારને મૂકશે નહીં.’
  ‘આ ત્રણેને નહીં મૂકે. ખરીદાઈ ગયા ત્રણેય.’
  ‘ઈ ક્યાંક ભોંયરામાં જતા રયા. નક્કી ભડાકો !’
  - એસ.પી. ને શોધી કાઢવાના પ્રયત્નો ચાલુ જ છે.
  - આ ઘટનામાં પણ આઈ.એસ.આઈ. જેવાં વિદેશી પરિબળોનો હાથ હોવાની સંભાવના સરકાર નકારી કાઢતી નથી.
    ... એસ.પી.ને શોધી કાઢવાના પ્રયત્નો હજી ચાલુ જ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. પ્રયત્નો હજી....

(‘જલારામદીપ’, ૨૦૦૬)


0 comments


Leave comment