2 - લઈને આવ્યો છું / ગની દહીંવાલા
હૃદયના ભાવ, પાંખે કલ્પનાની લઈને આવ્યો છું,
સિતારાઓ ! સુણો કથની ધરાની લઈને આવ્યો છું .
હજારો કોડ, ટૂંકી જિંદગાની લઈને આવ્યો છું,
સમય થોડો અને લાંબી કહાની લઈને આવ્યો છું .
સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે,
તમન્ના હું સમયને દોરવાની લઈને આવ્યો છું.
તૃષાતુર વાટ ! તારે મારી પાછળ દોડવું પડશે,
ભર્યાં છે નીર છાલામાં , એ પાની લઈને આવ્યો છું.
જગત-સાગર, જીવન-નૌકા, અને તોફાન ઊર્મિનાં,
નથી પરવા, હૃદય સરખો સુકાની લઈને આવ્યો છું.
ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઈને વરસે છે ,
જીવન ખારું, છતાં દૃષ્ટિ કળાની લઈને આવ્યો છું.
‘ગની’, ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ-બુલબુલ ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઈને આવ્યો છું .
0 comments
Leave comment