1.2 - ઓ સર્વઉદયમુખ ગાંધી / સુંદરજી બેટાઈ


નાળિયેરી શ્રીફલભર સ્હોતી લ્હેકલચક લેતી’તી;
મધુર મર્મરે કર્ણ પવનને કશુંક એ કહેતી’તી ?
આથમતા સૂરજનો જાણે સોનલ રસ પીતી’તી !

નીલ સાગરે તરંગલીલા ફેનિલ ઉલ્લસતી’તી :
નારિકેલવન વિકટ કેડીએ દૃઢમૃદુ સંચરતી’તી.
નીચી આંખો સસ્મિત સ્હોતી,
પર્ણમર્મરે ઊંચે જોતી,
ઘડી સાગરી નીલગગન પર કુતુકરસે તરતી’તી :
મૃદુમય મૂર્તિ,
ધર્મરસસ્ફૂર્તિ
અંતરતમને ઊંડે ઊંડે જ્યોતિ વિમલ રસતી’તી.

કોણ નિજ કામણકર નજરે નજર જગતની બાંધી ?
વેરવિખેર ભારતી કોણે હૃદયસાંધણે સાંધી ?
કુસુમલ વજ્રકઠોર ધીર એ વીર એકલા ગાંધી !
વરસ કેટલે અહીં ઉત્સ્ફુરે નવલનયન એ ગાંધી !

અકરમકરમ – અધરમધરમની
વિકટ વિમોચની અબહિતવંચની
ગજબ આંધિયું બાંધી !
કેમ અરે તમ નજરે શકિયે નજર અમારી સાંધી ?
    ક્ષમા, ક્ષમા !
       ઓ સર્વ-ઉદયમુખ ગાંધી !

૨૧-૦૮-૧૯૭૪
[નોંધ : વર્ષો પૂર્વે જુહૂના નાળિયેરીવનમાં સાન્ધ્ય લટાર લેતા પૂ.ગાંધીજીનું દર્શન કરેલું તેનું અનુસર્જન ]


0 comments


Leave comment