1.3 - સર્વસાધ્યા અહિંસા* / સુંદરજી બેટાઈ


‘સૌ જીવોની માત કો’ વ્હાલસોઈ ?’
“શું ના જાણો ? એ અહિંસા, અહિંસા !”

‘આ સંસારે અર્ણવે વાલુકાના !
વ્હેતી રહે શું ધાર કોઈ સુધાની ?’
“જાણો, જાણો એ અહિંસા, અહિંસા !”

‘વર્ષા વર્ષે દુઃખદાવાનલે કો’?’
“હા, એ વર્ષા તો અહિંસા, અહિંસા !”

‘ચકરાતા રહેવું જગે કર્મચક્રે
સૌ જીવોને એ મહારોગ ચોંટ્યો :
તેની ના કો ઔષધી રામબાણ ?’
“છે, હા, છે ! એ સર્વસાધ્યા અહિંસા !”

૩૦-૦૩-૧૯૭૫, નવી દિલ્હી
[“Indian Thought and its Development”માં મૂકેલાં હેમચંદ્રનાં વચનોના અવતરણને આધારે.]


0 comments


Leave comment