2.1 - ભલે ગાતું ! ભલે ગાતું ! / સુંદરજી બેટાઈ


છલોછલ ચાંદનીથી રમ્ય કો રવેશે,
રમ્યતર રજનીએ,
રમ્યતમ જનનીના મુદાછલ્યા અંકે
જાગ-ઊંઘ-ખેલમત્ત મુગ્ધ નીલ આંખે
તાકી તાકી અંગ આખે
શ્વેત-શ્યામ આભલાંમાં
સંતાકૂકડીની લીલા રમ્ય રહ્યો રમી
નભ ચાંદ દેખી,
ચાંદ બની કોક દી’ તો હસહસી રસરસી
ભર્યું છલ્યું થયું હશે મન મારું
કૌતુક કો’પંખી

ને –
આજે તો વેગવંત વિમાનની બારીએથી
મન્થર-ત્વરિત-ગતિ ભર્યાં ઠાલાં વાદળો વિલોકી,
વાદળોના અંકે અંકે ઊછળી અંતર મારું
વાદળ જ જતું બની બહુરૂપધારી !

અભ્રશિરો આચ્છાદી રહેલું –
સર્વદિશે ઉચ્ચતર મુક્તમુક્ત વિસ્તરી રહેલું
નીલ એ નિતાન્તનીલ
નભ સ્થિર ગમ્યાગમ્ય પરાત્પર –
શ્રીમાં તેની વિસ્મિત ચકિત ધન્ય ધન્યતર થતું,
અછતું છતું છતાંયે
એકરૂપ એકરસ સુરૂપ અરૂપમાં અરૂપ બન્યું
અંતર-અંતર મારું !

અભ્રો વિશે અભ્રરૂપ રમી જે રહેલું
અંતર ધરંત દ્યુતિ નભોનીલ;
ઊર્ધ્વ એ અનન્તવ્યાપી
નીરવ રવે સુલીન નીતરાતું નીતરાતું !
નીલપાંખે નીલપંખી બની જાણે
નભોનીલિમાનાં નીલરતિગીત ગાતું !
નભોનીલિમાનાં નીલરતિગીત ગાતું !
ભલે ગાતું ! ભલે ગાતું !
ભલે ગા તું ! ભલે ગા તું !

૨૬-૧૨-૧૯૭૪, નવી દિલ્હી


0 comments


Leave comment