2.5 - પહાડ પર બેઠે અગોચર સાગરદર્શન / સુંદરજી બેટાઈ


પ્રાચીના રંગનવોદયકાળે
પ્હાડ કરાળ મેદાન વિલોલમાં
વૃક્ષ ઉલ્લોલતાં ડાળે ડાળે !
ભર્ગ વરેણ્યના વૈશ્વિક અંજને
પાંખ સુસંચલ કેમ રહે માળે ?

હું ય મારી પદપાંખ વિલોડતો
બેઠો બન્યા તૃણલીલમ પ્હાડે;
નીલ નિરંજન વ્યોજ વિલોકતાં
લ્હેરી રહ્યાં નયણાં શત-દ્વારે.

મારું મનોનેત્ર પાંખ પ્રસારે
પ્હોંચી જતું ક્ષિતિજોને ઉલ્લંઘતું
સાગરે મંદતરંગવિલોલિતે
દૂરદૂરે નભનીલવિસ્તારે !

ત્યાં ય પ્રભાતના શીતલ રંગીન
વેળુ-રચ્યા તટના વિસ્તારે
કાંક અગોચર ને કાંક ગોચર
નાળિયેરીવન મર્મર-દ્વારે
સાગરનાં સ્તવનો ઉચ્ચારે
મન નીરધ્વનિને લયચારે.

પદ્માસને અહિં પ્હાડને પથ્થરે
ઊર્ધ્વ-અધો નીલ દ્વયવિસ્તારે
બીનવિલીન સવાર શું સોહન
ચિત્ત મારું મસ્ત સાગરતાને
ઝંકારી ઊઠતું મૌનસિતારે !
પ્હાડભરી નવરંગ સવારે !

૧૦-૧૧-૧૯૭૪, નવી દિલ્હી


0 comments


Leave comment