2.8 - ઓ વરદોત્તમ ! / સુંદરજી બેટાઈ


ઓ વરદોત્તમ ! શું માગું, શું ના માગું તું રીઝ્યે ?
‘શું ત્યાગું, શું ના ત્યાગું’ નો મરમ શી રીત લહીજે ?
હું ના જાણું શી વિધ ને શું ક્યહીં અરથ શે સીઝે ?

મેઘભવનમાં ઝબકી સબકી જવું વિલાઈ વીજે ?
દૃશ્ય-અદૃશ્ય થવું વા કોઈ શુકલપક્ષની બીજે ?

કોઈ અગોચર વનવગડે, વા કોઈ અગોચર છોડે
કંટક-ફૂલ બની લ્હેકાવું અનિલરંગની સ્હોડે ?

ભીતર બહિર ઝરણ કો ગિરિને મંજુલ ગાનસુહાગે
સ્હોવું ? વા કંકર કંકર થવું શંકરકીર્તનરાગે ?

કિન્તુ વિનવું, ઓ નાથ ! ફરી આ મનખો દેહ ન દીજે,
      ઓ રે મને મનખો દેહ ન દીજે !

“મનખો દેહ ન દીજે !” મૂરખ ! બેઠો શું તું માગી ?
ઈન્દ્રાસનને ભ્રમણરમણ શું નિદ્રાસન-અનુરાગી ?
ઉપાલંભતું કોણ અગોચર અંતરભીતર જાગી ?

ક્ષમા, ક્ષમા ! આ ભોમમાં જ શતવાર, અરે લખવાર,
કૃપાલ ઓ ! મોહસુહાગે સ્હોતો,
ક્રૂરકંટક્યો પ્રીતપનોતો મનખા દેહ ન દીજે !
      ભવભવ મનખા દેહ ન દીજે !
વરદોત્તમ ! વરદાન અન્ય તે તુંજ પાસે શું લીજે ?

૧૦-૦૯-૧૯૭૫


0 comments


Leave comment