7 - સાહેબની શોકસભા / પોલિટેકનિક / મહેન્દ્રસિંહ પરમાર


    સાહેબની શોકસભામાં બોલવાના શબ્દો તો તમે છેલ્લા પંદર-પંદર વરસથી મનમાં ગોઠવતા હતા અખિલેશકુમાર. વીણી-વીણીને એક-એક શબ્દ તમારા ભાવવાહી વક્તવ્ય માટે ઘસી-માંજીને તૈયાર કર્યા છે. કાચ સામે ઊભા રહીને એક-બે વાર રિહર્સલ પણ કરી લીધી છે ને હવે ખરે ટાણે તમે આમ પાણીમાં બેસી જાવ તે કેમ ચાલે? ના અખિલેશકુમાર, આજે તો સૌથી પહેલાં તમારે બોલવું જોઈએ. આખું ગામ તમને સાહેબના માનસપુત્ર તરીકે ઓળખે છે. સાહેબના પોતાના સંતાનો કરતાં ય તમારું મહત્વ વધુ છે. તમે ઊઠીને આમ વારો પાછો ઠેલ્યા કરો તે કેમ ચાલે? શબ્દાંજલિ આપવા માટે બે વાર સંચાલકે તમારું નામ ઉચ્ચાર્યું. બન્ને વાર તમે હાથના ઈશારે ‘પછી’ કહ્યું ને રૂમાલથી આંસુ લૂછવાનો પ્રયત્ન કર્યો. કોઈકે પાણીનો ગ્લાસ પણ ધર્યો. ‘અરે! અખિલેશકુમારને કેટલો આઘાત લાગ્યો છે!’ ખરેખર, અખિલેશકુમાર? પંદર વરસનું તમારું તપ ફળવાની ઘડી આવી ત્યારે તમે આમ ખુરશીમાં ફસડાઈને કાં બેઠા ?

     આ જુઓ, પંડ્યાજી કેવા ભાવવિભોર બનીને સાહેબ વિશે વાત કરે છે તમારે એમની સાથે કેવી જૂની હરીફાઈ ! પંડ્યા પાસે ભણવાના પૈસા નહોતા તો ખબરે ન પડે એમ ફી ભરી દીધી. એમ.એ.માં પ્રથમ વર્ગ મેળવવા પુષ્કળ ચોપડીઓ વાંચવા આપી. ને જામજોધપુરમાં જગ્યા ખાલી હતી તો તાર કરીને વતનમાંથી તેડાવી, ચિઠ્ઠી લખી આપી. કેવા કેવા ઉપકાર કર્યા. પંડ્યા કરતાં તમે વધુ હોશિયાર હતા. સાહેબ પણ તમારામાં જ એમના ઉત્તરાધિકારી જોતા હતા. પણ પરીક્ષામાં તમારું ઘોડું દોડ્યું નહીં. પંચાવન ટકુડી લેવાની હતી અખિલેશકુમાર. ઓછામાં ઓછી લાયકાત. અધ્યાપક થવા કાજે. પરિણામ આવ્યું ત્યારે તમે એમ કેમ માની લીધું અખિલરાય કે સાહેબે તમને વેતરી નાખ્યા અને બે બદામનું પંડ્યું(!) તમારી આગળ નીકળી ગયું ! તમે પંડ્યાજીની વાતો સાંભળીને કેમ તિરસ્કારસૂચક ડચકારો કર્યો મનમાં? પંડ્યાજીને મોઢા પર એક મુક્કો લગાવી દેવાનું મન થયું કેમ ! એ તમને ક્યાં નડ્યા ? પણ સાહેબે ‘સાહિત્યસભા’નું સુકાન પંડ્યાજીને બદલે કોને સોંપ્યું? તમને અખિલેશકુમાર, તમને ! એ તો સાહેબને અપરાધભાવ ‘ફીલ’ થયો એટલે, તમને સભાના પ્રમુખ બનાવ્યા... કાં?

     ગઈ કાલે આ પંડ્યાજીએ જ બિચારાએ સવારમાં ચાર વાગ્યામાં તમને ફોન પર ઘેરા ઉદાસ સ્વરે સમાચાર આપ્યા હતા : ‘અખિલેશ, સાહે...બ ગયા !’ અરધી ઊંઘમાં તમે હતા. સાંભળીને કેવા ‘જાગી’ ગયા ! ક્યારે, કેમ કરતાં... કશ્શું પૂછ્યા વિના તમે લાપસીનું આંધણ મૂકવાનો આદેશ આપવાનું જ બાકી રાખેલું કે નહીં? :
  ‘મંજુ, કબાટમાંથી સફેદ કફની-લેંઘો જલ્દી કાઢ, ને તું સફેદ સાડીમાં જલ્દી તૈયાર થા.’
  - ‘કેમ, સાહેબ ગયા?’
  - બોલો અખિલેશકુમાર, તમારા બેટરહાફ તમને ‘ટોટ્ટલી’ જાણે, કેમ?
    કેમ કે ઓક્ટોબર મહિનામાં ૪૦ ટકા વળતર ચાલતું હતું ત્યારે ખાદીભવનમાંથી પી/૧ ખાદીનું મસ્ત સફેદ કાપડ તમે વેતરાવેલું.
  ‘કફની-લેંઘો કરાવી લઈએ... પ્રસંગે કામ લાગે.’
  -દરજીને માપ આપ્યું ત્યારે કેવી ઝીણી-ઝીણી સૂચનાઓ આપેલી? આઠ વરસ સુધી તો એનો ઉપયોગ જ ન થયો. મંજુલાદેવી ન જાણે તો બીજું કોણ જાણે?
    જે ઝડપે તમે સાહેબના નિવાસે પહોંચ્યા... કેમ જાણે મોડું થાય ને રખે ને સાહેબ સદેહે જીવતા-જાગતા મળવાના હોય?

    સાહેબના ‘શાંતિનિકેતન’ પર તમે પહોંચ્યા ત્યારે એમનાં કુટુંબીજનો સિવાય બહારનું કોઈ હતું નહીં. જો કે, તમે તો ‘અંદરના’ જ ને અખિલેશકુમાર ! ગામ આખું જાણે કે અખિલેશકુમાર તો સાહેબના સાવ અંતરંગ. સાહેબે એમનું બહુ ધ્યાન રાખ્યું.

     તમને સાહેબનો પાર્થિવ દેહ જોવાની કેવી તાલાવેલી? ફૂલવાળાને ત્યાંથી ઊભાઊભ ગુલાબનો હાર લેવાનું પણ તમને સૂઝી ગયેલું. ફૂલવાળાએ ગલગોટાનો હાર લંબાવી કહેલું : ‘સન્માન સમારંભ માટે જોઈં સાહેબ ?’ તમે શું કહીને ગુલાબનો હાર લીધો?

     ‘પંડ્યો હજી નહીં પહોંચ્યો હોય’-તમે જાણે અંતે બાઝી જીતી ગયા હો એમ અંદર પહોંચ્યા તો સામે જ પંડ્યો ! સાહેબના પગ પાસે ખભે પંચિયું રાખી નીચા મોંએ ઊભેલો ! ‘સાલો, અહીંયા ય પે’લો.’ પંડ્યાએ વીલે મોંએ તમારી સામે નજર મેળવી તમને જગ્યા આપી. સાહેબના સંતાનોએ પણ ઉદાસ આંખે તમને આવકાર્યા. સાહેબ જયારે-જયારે બિમાર પડે ત્યારે એમની ખબર કાઢવા સૌથી પહેલાં પંડ્યો નહીં, તમે જ પહોંચતા ને ! ‘સાહેબની માંદગી હોય ત્યારે અખિલભાઈ કાયમ હાજર થયા જ હોય ! એમને બહુ ચિંતા સાહેબની. આવા વિદ્યાર્થીઓ તો નસીબદારને જ મળે !’ સાહેબને પંચોતેર પૂરાં થયા ત્યારે ‘પંચોતેરમે’નો કેવો ભવ્ય કાર્યક્રમ તમારા ખભા પર ઊંચકી લીધેલો ! ત્યારે તમારા મનમાં શું હતું ? (‘દાદા’ નો જીવ આવા કોઈ ‘સન્માન’માં ચોંટી રહ્યો હોય તો... પંચોતેર તો બહુ કહેવાય...)

    તમે સાહેબના પગે નમન કર્યું. પ્રદક્ષિણા કરતાં આ બધું પણ ભેગું પ્રદક્ષિણા કરવા લાગ્યું કેમ અખિલમ્ મધુરમ્ ? હાર એમની છાતી પર મૂકતી વખતે તમારી ઈચ્છા તો નહોતી પણ જોવા પડે એટલે સાહેબના મોંઢા સામે નજર કરી. સાહેબે જાણે હમણાં જ સૂતા હોય એવી પમ્મર શાંતિ એમના ચહેરા પર હતી. કશુંક સ્વપ્ન જોઈને મરકતા હોય એવું મરકલડું એમનું હોઠ પર સ્થિર થયેલું ? તમને મનમાં બીક લાગીને અખિલેશકુમાર ? જાણે સાહેબ હમણાં આંખો ઉઘાડશે ને કહેશે.... ‘બસ અખિલેશ?’

     તમે ઝડપથી ખસી ગયા. પંડ્યા પાસે જઈને ઉભા રહ્યા. કાનમાં કહ્યું : ‘હવે મોડું ન કરવું જોઈએ. ક્યાં લઈ જવા છે? સપ્તર્ષિમાં કે ગામના સ્મશાનમાં? ઈલેક્ટ્રિકવાળું ચાલુ હોય તો સારું પડશે.’ પંડ્યો તમારી સામે જોઈ રહ્યો. કહે, ‘હજી વાર છે. સાહેબની અંતિમ સફર ‘સરસ્વતીવિહાર’ થઈને કરવાની છે. જિંદગી આખી નીચોવીને જે અદ્ભુત સંસ્થા સાહેબે બનાવી ત્યાં એમને છેલ્લીવાર લઈ જવા છે.’ ‘શું જરૂર છે?’ એવું તમારી જીભે આવ્યું પણ સાહેબે તરફ ધ્યાન ગયું ને એમના કપાળ પર બેસતી માખીઓ તમારા ધ્યાને આવી. તમને દૂરથી એ તમારા પોસ્ટખાતાના સિક્કા જેવી લાગી ને તમે નેપકિન લઈ ઝડપથી પહોંચ્યા. જોરથી ઝાપટવાનું મન થયું... પણ પછી બહુ હળવેથી તમે માખીઓ ઊડાડી !... સાહેબે તમને ‘થેંક્યુ’ કહ્યું કે શું?

     સંચાલકે બહુ વિવેકથી બોલનારાઓને વિનંતી કરી કે ‘આપ’ સર્વને સાહેબ વિશે વાત કરવાની ઈચ્છા હોય તે સમજી શકાય એવું છે. બધા પાસે સંસ્મરણોનો એવો મોટો જથ્થો છે કે આમ જ વાતો કરતાં રહીએ તો સવાર પડે. આપણે શોકસભા આઠ વાગ્યે પૂરી કરી શાંતિપ્રાર્થના માટે એમનાં ઘરે જવાનું છે. એટલે થોડું ટૂંકાવશો તો આભારી થઈશું.’ જુઓ તો ખરા, પરીક્ષામાં ચોરી કરતાં જેને ઉઠાડી મૂકેલો અને હવે હીરાબઝારમાં મોટો ઉદ્યોગપતિ થઈ ગયેલો અડબંગ ભૂપેન્દ્ર ! અત્યારે તો ગામનો અગ્રણી થઈ ગયો છે ને ભોપો શેઠ બનીને કેવો સાહેબના ગુણગાન ગાય છે ! ‘સાહેબે જ મને જીવનના પાઠ શીખવાડ્યા !’ આ પેલો જૂનાગઢવાળો, આ મુંબઈવાળો, આ પાલનપુરવાળો ! માળા ભણવામાં મારા કરતાં ક્યાંય ઠોઠડા હતા પણ સાહેબની કૃપાથી પ્રોફેસર થઈ ગયા ! આટલે દૂરથી આજે આવ્યા છે. પાલનપુરવાળાએ તો અખિલેશકુમાર તમારું નામ ય લીધું ! માળો કહે, ‘અખિલેશકુમાર પોસ્ટખાતામાં ક્લાર્ક બન્યા.’ ‘સાલા, તું પ્રોફેસર બની ગયો એનો વાંધો નથી પણ મને ટપાલખાતામાં ટેબલે સિક્કા મારવાનું નસીબ તો સાહેબને કારણે જ ને ? સાહેબે જ પંચાવન ટકા ન થવા દીધા !’ વિદ્યાવાચસ્પતિ બનવાનું તમારું સપનું ફળ્યું નહીં એમાં અખિલેશકુમાર, સાહેબને દોષ દેવાનો? અંતરાત્મા જેવું કંઈ છે ખરું? ઊભા થાવ, જુઓ... સંચાલક પાછો તમારી સામું જોઈને નિમંત્રણ આપે છે ! તમે વળી ના કહો છો ! ને હજી બાકી હતું તે ‘પેલી’ ઊભી થઇ ! સાહેબના મનમાં તમારું દાંપત્યજીવન પણ હતું ને, અખિલેશકુમાર ! આવડી આની સાથે તમારું લગ્ન થાય એ માટે એમણે તો તમારા વાલી થઈને આના પપ્પાની સામે વાત મૂકેલી. એનો પપ્પો પાકો નીકળ્યો. પ્રોફેસર થાય તો દીકરી દઉં ! પેલીએ પણ તમારી સામે જોઈને જ સાહેબના ગુણગાન ગાયાં ! એ ઠોઠડી તમારી નોટ્સ વાંચી-વાંચીને પ્રોફેસરણી થઈ ગઈ. સાહેબનાં માર્ગદર્શનતળે એણે પી.એચ.ડી.ની ઉપાધિ મેળવી-એવી બધી વાતો અત્યારે શોકસભામાં કરવાની શું જરૂર ?

     એમ્બ્યુલન્સ માટે તો તમે જ ચોંપ રાખીને ફોન કરી દીધેલો ને એ આવી પણ ગઈ. પરિવારે ના કહી. ચાલીને જ જવું છે. તમે ચોક સુધી ચાલ્યા અખિલેશકુમાર. ‘નારાયણ... ના...રાયણ’ બે વાર બોલી ખોટું ખોટું આંસુ લૂછવાનું કરી તમે ‘સરસ્વતીવિહાર’ જવાનું ટાળ્યું. જ્યાં તમે સાહેબ પાસે ભણ્યા, જ્યાં ભણાવવાના તમે સપનાં જોયાં, ત્યાં સાહેબની અંતિમ સફર વેળા તમારે સાથે ન રહેવું જોઈએ? ગામ શું કહેશે ? પણ ના, ‘ઈલેક્ટ્રિક સ્મશાન બંધ છે. એટલે લાકડાં જોખવા ને અગ્નિસ્થળ તૈયાર કરવાના’ બહાને તમે તમારું વાહન મારી મૂક્યું. જલ્દી સ્મશાને પહોંચીને તમે જાણે કોઈ મોટા પરખંદા હો તેમ વીણી ચૂણીને જલ્દી બળે તેવાં લાકડાં કેવાં જોખ્યાં અખિલેશકુમાર ? ક્યું પગ પાસે રખાય, ક્યું માથે મૂકાય, ઘાસના પૂળા ક્યાં રખાય ? –તમારી સૂચનાઓથી અંત્યેષ્ટિસંબંધી તમારું અગાધ જ્ઞાન જોઈને સાથે આવેલા દસ-બાર જણાં કેવા અચંબાથી તમારી સામે જોઈ રહેલો ! ઓહો અખિલેશકુમાર, આ બધું તમને કોણે શીખવાડ્યું ?

     તમે કેવા અકળાયા અખિલેશકુમાર ! ‘સરસ્વતીવિહાર’માં સાહેબને પાછા આચાર્યની ખુરશીમાં બેસાડ્યા છે કે સાહેબ પાછા કેટલી વાર વર્ગ લેવા રહ્યા ? આટલી બધી વાર કરાતી હશે ? ડેડબોડી પછી સળગવામાં કેટલી વાર લગાડે ? ઓફિસઅવર્સ પહેલાં બધું પતે તો નાનીબચતની કેટલી પાસબુકો તૈયાર કરવાની હોય ? સાહેબ પહેલી વાર પોસ્ટઓફિસે એમની પાસબુક લઈને આવેલા ત્યારે તમે ભાવવિભોર થવાનું કેવું નાટક કરેલું ! પાછલી એન્ટ્રીઓ ફટાફટ કરીને તમે દાઝથી ગોળ સિક્કા એક-એક પાને મારેલા ત્યારે છેલ્લો સિક્કો હોઠ ભીંસીને કેવો સાહેબના નામ પર કાળો ધબ્બો પાડી દીધેલો ? એમ.એ.નું પરિણામ આવ્યું ને તમે નાલાયક પુરવાર થયા ને તમને આઘાત લાગ્યો ત્યારે સાહેબે એમનાં ઘરે તમને બે દિવસ સાચવેલા. એમણે જ તમને પોસ્ટખાતાની નોકરીનો વિકલ્પ સૂચવેલોને ? ‘અખિલ, તું અધ્યાપક થાય એવું હું પણ ઈચ્છતો હતો. હવે પેપર ખોલાવવાનો કે એવો કશો અર્થ નથી. આ જાહેરાત આવી છે પોસ્ટખાતાની. અરજી કરી દે. સાહિત્યનુ કામ તો એ નોકરી કરતાં-કરતાં પણ થઈ શકે.’ કર્યા સાહિત્યના કામ ! પોસ્ટખાતાનાં ચોપડા ચીતરવાનાં !

     લ્યો, આ ‘નારાયણ નારાયણ’ થયું. આવ્યા અંતે. તમે દોડીને સ્મશાનના બારણે ગયા ને જલ્દી છતરી નીચે ચિતા સુધી સાહેબને દોરી લાવ્યા. ફટાફટ અરધા લાકડાં ગોઠવીને સાહેબને લેવરાવ્યા. પેલું કામ મોઢા ઉપર મોટાં લાકડાં ગોઠવીને સાહેબનું મોઢું ઢાંકવાનું કર્યું. હજી સાહેબ કંઈ બોલે એવી તમને બીક લાગેલી, ખરું અખિલેશકુમાર ? સાહેબના મોટા દીકરાએ પ્રદક્ષિણા કરી અંગૂઠે અગ્નિ ચાંપ્યો ને ચિતા ભડભડવા લાગી. બધાં દૂર જઈને બેઠાં. બે હાથ જોડી સૌને રજા અપાઈ. પણ તમે તો ચિતાનો તાપ ઝીલતા ત્યાં જ ઊભા રહ્યા. (એ તાપ તો કેટલી યે વાર તમે ભારે આનંદપૂર્વક માણ્યો હતોને ?) એક-બે જણાએ તમને દૂર લઈ જવા ઈશારો ય કર્યો. ‘બિચારા, કેવો આઘાત લાગ્યો છે !’ (આઘાત લાગેલો અખિલેશકુમાર કે પૂરા સળગાવી દેવાનું અનુષ્ઠાન હતું અખિલેશકુમાર ?)

     -‘આપણે સૌએ હવે એક અનુષ્ઠાનની પ્રતિજ્ઞા કરવાની છે. સાહેબના આદર્શો પર ચાલીને એમણે આદરેલી સાહિત્ય અને સમાજકલ્યાણની જ્યોત આપણે જલતી રાખવાની છે. ત્યારે એના મુખ્ય વાહક બની શકે એવા સાહેબના અત્યંત પ્રીતિપાત્ર અખિલેશકુમારને, હવે જો તેઓ બોલવા માટે સ્વસ્થ થયા હોત તો આપણે વિનંતી કરીએ કે તેઓ આવે અને આ અનુષ્ઠાનનું સુકાન સંભાળી, આપણે કેવાં કેવાં કાર્યક્રમો દ્વારા સાહેબની સ્મૃતિને ચિરંજીવ બનાવી શકીએ તે અંગે પોતાનાં વિચારો જણાવે.’

     -સંચાલકની આ અંતિમ વિનંતીએ સૌ ફરીને તમારા તરફ તાકી રહ્યા અખિલેશકુમાર. હવે ઊભા નહીં થાઓ તો ગેરસમજ થશે હોં ! તમે મોલ્ડેડ ખુરશીના હાથા બે વાર અક્કડ રીતે ઝાલીને ઊભા થયા. માઈક પર પહોંચતા સુધીમાં તો તમારો ને સાહેબનો સંબંધ આખ્ખો સજીવન થઈ ગયો. તમે બોલવા માટે પ્રયત્ન કર્યો.

     અવાજ?
     ગળું ખંખેર્યું?
     શબ્દો જાણે મિક્ષર-ગ્રાઈન્ડરમાં ગોટવાઈ જતાં હોય ને ધક્કો મારવા છતાં નીકળવા તૈયાર જ ન હોય !
‘સજ્જનો...
અ... ને
સન્નારીઓ,
સાહેબ...’
‘સાહેબ સા...થે... મારે...’
‘મેં... મેં... સાહેબને... મેં’
    સંચાલકે પાણીનો ગ્લાસ ધર્યો.
... ‘સાહેબની શોકસભામાં... હું... શું... બોલું ? સાહેબને મેં...’
    -આખી સભા તમારી સાહેબભક્તિથી અને તમારા ભાવવિભોર અને અભિનયથી મુગ્ધ થઈ ગઈ. તમે વધુ ન બોલી શક્યા અખિલેશકુમાર. લોકોએ પણ તમે આમાં વધુ ન જ બોલી શકો એમ માણી આંખના ઈશારે જ તમારું બહુમાન કર્યું. તોય તમે છેલ્લી વાર પ્રયત્ન કર્યો.
‘સા... હે...બે... મને...
હું... મેં... સાહેબને...’
    -‘એ મારા પોસ્ટમાસ્તર સાહે...બ ! આજે કાંઈ ખાસ પ્રસંગ છે ઓફિસમાં ? સ્વૈચ્છિક નિવૃત્તિના વિદાયસમાંરભને તો હજી બાર દિવસ બાકી છે, કહું છું, દાઢી કરવાની ય કાંઈ રીત હોય કે નહીં ? ક્યારની જોઉં છું, આ તમે ત્રીજીવાર ફીણના પહાડ કર્યા ! હવે રેઝર ચલાવશો તો લોહીની નદી વહેશે !... અને કહું છું, સાહેબના ઘેરથી ત્રણ વાર ફોન આવી ગયા. પાસબુક લઈને સાહેબ ત્રણ વાગે પોસ્ટઓફિસ આવશે.’

     ‘ઓહ નો! તમે મંજુલાદેવી સામે જોયું. કાચમાં જોયું. તમે છળી ગયા અખિલેશકુમાર ! કાચમાં હતો બાઘડો તમને બીવડાવી ગયો અખિલેશકુમાર ? કેમ નેપકિનથી ફીણ બધાં લૂછી નાખ્યા અખિલેશકુમાર ? પેલા તમારી સામે આંખો વકાસી રહેલા ભાઈને તો જવાબ આપવો પડે કે નહીં, હેં અખિલેશકુમાર ?’


0 comments


Leave comment