23 - ભીની પાંપણના કો’ક ભરોસે, વાત વફાની શોધે છે / હર્ષ બ્રહ્મભટ્ટ


ભીની પાંપણના કો’ક ભરોસે, વાત વફાની શોધે છે,
દરિયાકાંઠે બેઠા બેઠા, ઝરણાની કહાની શોધે છે.

બંને આંખો ઝાંખી-પાંખી, ને કાન કશું ના સાંભળતા,
ઘડપણ જૂની યાદોમાં જઈ, ખોયેલ જવાની શોધે છે.

ક્યાં નિરાંત જેવું કૈં જ હતું, મન રહ્યું ઉતાવળમાં કાયમ,
વારે ઘડીએ ખોલી આંખો, એ અસર દુઆની શોધે છે.

સૌ ઝંખે કાયમ નવું નવું, ઘરથી દુનિયા લગ બધું નવું,
બોખા મોઢે કોને કહેવું, દિલ ચીજ પુરાની શોધે છે.

કોઈ કથા-વારતામાં ડૂબ્યું, કોઈ મસ્ત કલ્પનામાં ઝૂમ્યું,
છે સત્ય પચાવાનું અઘરું, સૌ જૂઠી જબાની શોધે છે.


0 comments


Leave comment