25 - શરીરને સપડાવે ઈચ્છા / હર્ષ બ્રહ્મભટ્ટ


શરીરને સપડાવે ઈચ્છા,
તન-મનને ઝાઘડાવે ઈચ્છા.

બધા આશરા સળગાવી દઈ,
જ્યાં ને ત્યાં રખડાવે ઈચ્છા.

બૂટપોલિશ બધ્ધે જ કરીને,
રોજ અહમ્ ચમકાવે ઈચ્છા.

વાંક તમારો કરો ગુલામી,
તક શોધી ધમકાવે ઈચ્છા.

મોંઘા ભાવે શ્વાસ ખરીદી,
દેવાળું ફૂંકાવે ઈચ્છા.

બધાંય ભણતર ભુલાવી દે,
કક્કો એમ ઘૂંટાવે ઈચ્છા.


0 comments


Leave comment