27 - ઝાડની ડાળે હતું જે સાડલાનું પારણું / હર્ષ બ્રહ્મભટ્ટ


ઝાડની ડાળે હતું જે સાડલાનું પારણું,
ત્યાંય બાળક મ્હેલની માફક હતું સોહામણું.

પાત્રતા વિના મળે સત્તા કે ધન તો થાય શું ?
જ્યાં અને ત્યાં હરપળે છલક્યા કરે છીછરાપણું.

એ જ ઘડતું હોય છે સઘળા અનુભવ દઈ સતત,
ક્યાંય કરતાં ક્યાંય દેખાતું નથી જે ટાંકણું.

ફૂલ ક્યારે બેસશે ને ખીલશે કહેવાય ના,
છોડથી ભરચક ભરેલું જિંદગીનું આંગણું.

કેટલા રંગો ભરીને આજ એ તૂટી ગયું,
અવસરે રંગાઈ જાતું’તું ફરી જે બારણું.


0 comments


Leave comment