31 - કેમ ભૂલી જઉં ? / હર્ષ બ્રહ્મભટ્ટ


કહો, ડૂબી ગયેલી સર્વ હોડી કેમ ભૂલી જઉં ?
અને આ જિંદગી થઈ ગઈ બે કોડી કેમ ભૂલી જઉં ?

‘અમોને કેમ ના રોક્યા ?’ કરીને હક હવે લડતા,
વિનંતીઓ કરી’તી હાથ જોડી કેમ ભૂલી જઉં ?

નથી ને તે છતાં વાગ્યા કરે છે હર કરચ બધ્ધે,
ગયા છે આયના બધ્ધા જ ફોડી કેમ ભૂલી જઉં ?

હૃદયને જીદ છે અક્ષરશ: વાતો લખું એની,
બચી છે જિંદગી આ માંડ થોડી કેમ ભૂલી જઉં ?

મળું છું હું બધાને પણ તમે છુટ્ટા પડ્યાં જ્યાંથી,
ગયો છું હું મને પણ ત્યાં જ છોડી કેમ ભૂલી જઉં ?


0 comments


Leave comment