32 - કોઈ બળે, કોઈ ઝળહળે / હર્ષ બ્રહ્મભટ્ટ


કોઈ બળે, કોઈ ઝળહળે,
નસીબ સૌને સૌનું ફળે.

હોય ખોદવાના જ્યાં પ્હાડ,
ત્યાં ખાડા ખોદે શું વળે ?

મન જો મક્કમ હોય જ નહીં,
કોઈ ટેવ ટાળી ક્યાં ટળે ?

કૈંક સ્મિત એવાં જોયાં,
પછવાડે લાવા ખળભળે.

સમય ખરાબ શરૂ જ્યાં થયો,
પડછાયો પણ તજી નીકળે.

‘હર્ષ’ જીવનભર જુદાઈ, પણ –
સતત સ્મરણમાં સામાં મળે.


0 comments


Leave comment