33 - તું ભલેને આવવાનું પાસ ટાળે / હર્ષ બ્રહ્મભટ્ટ
તું ભલેને આવવાનું પાસ ટાળે,
કોઈ ક્યાં લગ નાક ડાબી શ્વાસ ટાળે ?
લોક બુદ્ધિનો કરે ઉપયોગ એવો,
આંખ મીંચી આવતો વિશ્વાસ ટાળે.
સૂર્ય પર ચર્ચા થતી A.C. કરીને,
બંધ રાખી બારણાં અજવાસ ટાળે.
‘કેમ દેખાતો નથી?’ નો ફોન કરશે,
જો મળે સામે તો તમને ખાસ ટાળે.
‘હર્ષ’ છે ઊભા ઘણા એવાય કાંઠે,
ગટગટાવી કૈંક પીણાં પ્યાસ ટાળે.
0 comments
Leave comment